<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

અમરેલીનાં ચિતલ રેલવે સ્‍ટેશનને મળ્‍યું વંદે ભારત એક્‍સપ્રેસનું સ્‍ટોપેજ

શ્રાવણના પ્રથમ સોમવારે ચિતલ ખાતે રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું: ચિતલને વંદે ભારતનું સ્‍ટોપેજ મળવું અમરેલીના વિકાસ માટે મહત્‍વપૂર્ણઃ રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરીયાઃ વંદે ભારત બાદ વેરાવળ-હરિદ્વાર ટ્રેનનો સ્‍ટોપેજ વડિયા-ચિતલ-લાઠીને અપાવવાની નેમ- સાંસદ ભરતભાઈ સુતરિયા

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૮: અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્‍ટેશન ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળતા ઉત્‍સાહભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ દક્ષાબહેન ચોડવડિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી વંદે ભારત એક્‍સપ્રેસને ચિત્તલથી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્‍યું કે, કેન્‍દ્ર સરકાર દ્વારા સાબરમતી-સોમનાથ વંદે ભારત એક્‍સપ્રેસનો રૂટ બદલીને બોટાદ અને અમરેલી જિલ્લાને લાભ મળે તે રીતે આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલી જિલ્લામાં વંદે ભારતનું સ્‍ટોપેજ કયા સ્‍થળે આપવામાં આવે તે અંગે મંથન કર્યા બાદ ચિતલ ખાતે સ્‍ટોપેજ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના માત્ર પાંચ દિવસમાં કેન્‍દ્રીય રેલવે મંત્રીશ્રીએ ચિતલને વંદે ભારત એક્‍સપ્રેસનું સ્‍ટોપેજ આપ્‍યું છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, ચિતલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. જિલ્લામાં ચિતલ એકમાત્ર એવું ગામ છે જ્‍યાં સરકારની મંજૂરીથી બે પૂલ તૈયાર કરવામાં આવ્‍યા છે. ચિતલનો સનેડો ઉદ્યોગ સમગ્ર રાજ્‍યમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકયો છે. સનેડા ઉદ્યોગને પ્રોત્‍સાહન આપવા રાજ્‍ય સરકાર દ્વારા રૂ. ૭૫,૦૦૦ સુધીની સબસિડી આપવામાં આવી છે.

સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્લાને વંદે ભારત એક્‍સપ્રેસનું સ્‍ટોપેજ મળતા કેન્‍દ્ર સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આગામી દિવસોમાં વેરાવળ-હરિદ્વાર ટ્રેનને પણ વડિયા, ચિતલ અને લાઠી ખાતે સ્‍ટોપેજ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી-ધારી બ્રોડગેજ રેલવે રૂપાંતરણ માટે પણ કેન્‍દ્ર સરકાર સમક્ષ સકારાત્‍મક ચર્ચા થઈ હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

વંદે ભારત એક્‍સપ્રેસ ટ્રેનનું વેરાવળ તરફ જવા માટે સવારે ૯:૪૩ કલાકે અને સાબરમતી તરફ જવા માટે સાંજે ૬:૦૩ કલાકે ચિતલ રેલવે સ્‍ટેશન ખાતે આગમન થશે. ચિતલ ખાતે સ્‍ટોપેજ મળતા અમરેલી જિલ્લા સહિત આસપાસના વિસ્‍તારના નાગરિકોને ઝડપી અને આધુનિક રેલવે મુસાફરીની સુવિધાનો લાભ મળશે.

આ પ્રસંગે લીલિયા-સાવરકુંડલા મતવિસ્‍તારના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા, લાઠી-બાબરા મતવિસ્‍તારના ધારાસભ્‍ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ, જિલ્લા પંચાયતના સભ્‍ય વિલાસબહેન દેસાઈ, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા, તાલુકા પંચાયતના સભ્‍યો, ચિતલ ગ્રામ પંચાયતના સભ્‍યો, સરપંચશ્રીઓ તથા અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ચિતલ ખાતે વંદે ભારત એક્‍સપ્રેસના સ્‍ટોપેજને પગલે સ્‍થાનિક નાગરિકો અને મુસાફરોમાં આનંદ અને ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો

(12:20 PM IST)