<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ગુજરાતમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી: ગાંધીધામ અને મુન્દ્રા સહિત કુલ 15 સ્થળોએ એક સાથે આઈટીના દરોડા : ટેક્સ ચોરી અને હિસાબોમાં ગેરરીતિની શંકા

કચ્છના બંદર વિસ્તારના વેપારી જૂથો અને કંપનીઓને નિશાન બનાવાયા, દસ્તાવેજો અને ડિજિટલ ડેટા ચકાસણી સાથે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ

કચ્છ, તા. 18 : ગુજરાતમાં આવકવેરા વિભાગે આજે સવારથી જ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કચ્છ જિલ્લાના ગાંધીધામ અને મુન્દ્રા વિસ્તારમાં આવકવેરા વિભાગની ટીમોએ 15થી વધુ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. 

 

આવકવેરા વિભાગને ટેક્સ ચોરી અને હિસાબોમાં ગેરરીતિની બાતમી મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા મુખ્યત્વે બંદર આધારિત વેપાર, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અને લોજિસ્ટિક્સ સાથે જોડાયેલા કેટલાક મોટા વેપારી જૂથો અને કંપનીઓના ઓફિસ, ગોડાઉન અને રહેણાંક સ્થળોએ પાડવામાં આવ્યા છે.

 

દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમો સાથે કેન્દ્રીય સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓ સ્થળ પરથી નાણાકીય દસ્તાવેજો, કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને અન્ય ડિજિટલ ડેટાની ચકાસણી કરી રહ્યા છે. બેંક ખાતા, રોકાણ અને મિલકતોના સોદા અંગે પણ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

 

ગાંધીધામ અને મુન્દ્રા બંદર વિસ્તાર દેશના મહત્વના વેપારી હબમાંનું એક છે. ત્યારે આટલા મોટા પાયે પાડવામાં આવેલા દરોડાને કારણે વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. 

 

હાલમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ જ વધુ વિગતો જાહેર કરવામાં આવશે. આ દરોડામાં કેટલી બેનામી મિલકત અને બિનહિસાબી વ્યવહારો સામે આવે છે તેના પર સૌની નજર છે.

 

આગામી 2 થી 3 દિવસ સુધી આ કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(3:59 PM IST)