તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
પાટણમાં તહેવાર પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા : જૂના ગંજ બજારમાં હોટલ-રેસ્ટોરન્ટમાં સપ્લાય થતી 678 કિલો શંકાસ્પદ લાલ ચટણી સીઝ
જૂના ગંજ બજારમાં 'તન્ના ટ્રેડર્સ' નામના વેપારી એકમ પર દરોડો :રૂ. 20,340 ની કિંમતનો 678 કિલો લાલ ચટણીનો જથ્થો સીઝ કરી દીધો

આગામી તહેવારોની ઉજવણી દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમો પર સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પાટણના જૂના ગંજ બજાર વિસ્તારમાં આવેલા 'તન્ના ટ્રેડર્સ' નામના વેપારી એકમ પર ફૂડ અધિકારીઓની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન આ પેઢીમાંથી મોટા પ્રમાણમાં વેચાણ અર્થે રાખવામાં આવેલી અને શહેરની વિવિધ હોટલો તથા રેસ્ટોરન્ટોમાં સપ્લાય થતી શંકાસ્પદ લાલ ચટણી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ લાલ ચટણીની ગુણવત્તા અંગે શંકા જણાતાં કાયદાકીય જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે રૂ. 20,340 ની કિંમતનો 678 કિલો લાલ ચટણીનો જથ્થો સીઝ કરી દીધો હતો.
શંકાસ્પદ ચટણીના અધિકૃત નમૂના (સેમ્પલ) લઈને પૃથક્કરણ અર્થે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. પેઢી પરિસરમાં સ્વચ્છતાનો અભાવ જણાતાં ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ હેઠળ તન્ના ટ્રેડર્સને 'ઇમ્પ્રુવમેન્ટ નોટિસ' (સુધારા નોટિસ) પાઠવવામાં આવી છે.લેબોરેટરી પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ જો ચટણીમાં સબ-સ્ટાન્ડર્ડ કે કેમિકલયુક્ત મિશ્રણ સાબિત થશે તો વેપારી સામે કાયદા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
