તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
વઢવાણ-લખતર હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં દોઢ વર્ષના માસુમ બાળક અને માતાનું કરૂણમોત : પતિ ઈજાગ્રસ્ત
લખતર પંચાયતના ટેકનિકલ આસિસ્ટન્ટ રવિભાઈ પરમારના પત્ની દીપિકાબેન અને પુત્ર દિવ્યેશનું મોત:ઇજાગ્રસ્ત રવિભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ:વઢવાણ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. બાઈક પર સવાર થઈને જઈ રહેલા એક જ પરિવારને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતાં માતા અને તેમના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવમાં બાઈક ચલાવી રહેલા લખતર તાલુકા પંચાયતના અધિકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, લખતર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન - એસબીએમ (SBM) વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 32 વર્ષના રવિભાઈ ચંદ્રકાંતભાઈ પરમાર પોતાની મોટરસાયકલ પર પત્ની અને પુત્ર સાથે વઢવાણ-લખતર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર ત્રણેય લોકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં રવિભાઈના 30 વર્ષીય પત્ની દીપિકાબેન પરમાર તેમજ તેમના 1.5 વર્ષના માસૂમ પુત્ર દિવ્યેશ પરમારને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા. જ્યારે રવિભાઈ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા હતા.
અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો, મજૂરો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત રવિભાઈને તાત્કાલિક સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વઢવાણ પોલીસ સ્ટેશનના કાફલાએ બંને મૃતદેહોનો કબજો મેળવી સુરેન્દ્રનગર સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
