તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
સુરેન્દ્રનગરમાં પતિએ છરીના ર૭ ઘા ઝીંકી દઇને પત્નીની હત્યા કરી
ઘર કંકાસના કેસમાં મુદત ભરી પરત ફરતી સોનલબેનને રિક્ષામાં જ રોકીને આરોપી પતિ રાજેશ કાજિયાએ આપ્યુ મોત : માતા અને રિક્ષા ચાલક પણ ઘાયલ, આરોપી ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૯: સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર લોહીયાળ ઘટના સામે આવી છે. મૂળચંદ રોડ પર આજે કોર્ટમાંથી મુદત ભરીને ઘરે પરત ફરી રહેલી એક મહિલાની તેના જ પતિએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી.
પ્રાપ્ત માહિતી મુજબ, બાળા ગામના વતની સોનલબેન કોરડીયા વર્ષ ૨૦૨૪થી ઘર કંકાસના કારણે પોતાના પતિ રાજેશ કાજિયા સાથે રહેતા ન હતા અને પોતાની માતા જશુબેન સાથે બાળા ખાતે રહેતા હતા. સોનલબેને પતિ રાજેશ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આજે તે કેસની મુદત હોવાથી સોનલબેન, તેમની માતા જશુબેન અને રિક્ષા ચાલક દર્શનભાઈ રિક્ષા લઈને સુરેન્દ્રનગર કોર્ટે આવ્યા હતા.
મુદત પૂર્ણ કરીને ત્રણેય પરત બાળા જઈ રહ્યા હતા ત્યારે મૂળચંદ નજીક બાઇક પર આવેલા આરોપી પતિ રાજેશ કાજિયાએ રિક્ષા અટકાવી હતી. ત્યારબાદ રિક્ષામાં બેઠેલી સોનલબેન પર છરી વડે અંધાધૂંધ હુમલો કરી દીધો હતો. આરોપીએ સોનલબેનના શરીરના અલગ-અલગ ભાગો પર ૨૭થી વધુ ઘા ઝીંકયા હતા.
સોનલબેનને બચાવવા વચ્ચે પડેલી તેમની માતા જશુબેન અને રિક્ષા ચાલક દર્શનભાઈને પણ આરોપીએ છરીના ગંભીર ઘા માર્યા હતા. હુમલા બાદ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોનલબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે જશુબેન અને દર્શનભાઈની હાલત હજુ ગંભીર છે.
ઘટનાની જાણ થતા જ એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજેશ કાજિયા કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ર્નસિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે. હત્યાને અંજામ આપીને તે ફરાર થઈ ગયો છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આરોપી કચ્છમાં ફરજ બજાવતો હોવાથી ત્યાં પણ પોલીસની ટીમો રવાના કરવામાં આવી છે.
આ ઘટનાથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
