તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 19th August 2026
જોડિયાના વાવડી ગામે વીજ લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
યોગ્ય વળતરની માંગ સાથે મહિલાઓ સહિતના ગ્રામજનો મશીનરી આગળ બેસી જતાં ભારે હોબાળો, પોલીસે ૯૦ ખેડૂતોની કરી અટકાયત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૯: જામનગર જિલ્લામાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. જોડિયા તાલુકાના વાવડી ગામ નજીક ખાનગી કંપની દ્વારા ચાલી રહેલી વીજ લાઇન અને ટ્રાન્સમિશન કામગીરીનો સ્થાનિક ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. યોગ્ય વળતરની માંગ સાથે મહિલાઓ સહિતના ખેડૂતો મશીનરી (હિટાચી) આગળ બેસી જતાં સ્થિતિ તંગ બની હતી, જેના પગલે પોલીસે ૯૦ જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર જિલ્લામાં વીજ લાઇનના થાંભલા ઊભા કરવા માટે અપનાવવામાં આવતા વલણ સામે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અગાઉ ગામોના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી હોવાનું વિગતો આપવામાં આવી છે.
આ દરમિયાન જોડિયા પંથકના વાવડી ગામ નજીક ખાનગી કંપની દ્વારા ટ્રાન્સમિશન લાઇનના પોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. જોકે, કામગીરી સરકારી ખરાબાની જમીન પર થતી હોવાથી વળતર ન મળે તેવી વાત સામે આવતાં રોષે ભરાયેલા ખેડૂતો અને મહિલાઓ મશીનરી આડે ઊતરી ગયા હતા અને કામ અટકાવી દીધું હતું.
ઘટનાને પગલે ઘર્ષણ જેવી પરિસ્થિતિ સર્જાતાં જોડિયા પી.આઈ. જે. પી. સોઢા સહિતનો પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે વિરોધ કરી રહેલા મહિલાઓ સહિત આશરે ૯૦ જેટલા ખેડૂતો-ગ્રામજનોને ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
