<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ભાવનગરમાં બનાવટી દારૂના મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત ૨૧ સામે ફરિયાદ નોંધાય

કડક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા બનાવટી અને નકલી દારૂના કાળા કારોબાર સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ ચકચારી મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં મુખ્ય સૂત્રધાર અને બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ ૨૧ શખ્શો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બનાવટી દારૂનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે દરોડા પાડી મોટું રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી અને તેના અન્ય ૨૦ સાગરીતોની સક્રિય સંડોવણી સામે આવી હતી. બનાવટી દારૂના કારણે લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થવાની શક્યતાને ધ્યાને રાખી પોલીસે આ મામલે સજ્જડ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
બીજી તરફ, સ્થાનિક કક્ષાએ દારૂબંધીના અમલીકરણમાં ગંભીર બેદરકારી દાખવનાર અને અસામાજિક તત્વો સામે યોગ્ય પગલાં ન ભરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ આકરાં પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેય દ્વારા આ પ્રકરણમાં આંતરિક તપાસ કરાવ્યા બાદ તુરંત જ શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં વરતેજ પોલીસ સ્ટેશનના ૪ પોલીસ કર્મચારીઓ અને નીલમબાગ પોલીસ સ્ટેશનના ૧ પોલીસ કર્મચારી મળી કુલ ૫ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ખાતેકીય રીતે મોકૂફ) કરી દેવામાં આવ્યા છે.
ખુદ પોલીસ વિભાગના જ કર્મચારીઓ સામે સ્પષ્ટ અને આકરી કાર્યવાહી કરીને જિલ્લા એસ.પી. નિતેશ પાંડેયે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, કોઈપણ પ્રકારની ગેરરીતિ, બેદરકારી કે બુટલેગરો સાથેની સાઠગાંઠ ચલાવી લેવામાં આવશે નહીં. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ સામે પણ આગળની નિયમાનુસાર તપાસ ચાલુ કરી દેવામાં આવી છે, જ્યારે ૨૧ આરોપીઓને ઝડપી પાડવા અને આ દારૂના નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે શોધવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.

(10:24 PM IST)