News of Wednesday, 19th August 2026
જામનગરના રબાની પાર્ક વિસ્તારમાં પતિએ પત્ની પર તલવાર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ
ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર માટે GG હોસ્પિટલ ખસેડાઇ : પરિવારજનોએ પતિ અગાઉ પણ મારપીટ કરતો હોવાનો આક્ષેપ કર્યો:સિટી-A ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

જામનગરના રબાની પાર્ક વિસ્તારમાં પતિ દ્વારા પત્ની પર તલવાર વડે હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. ટ્રક ચાલક હબીબ મજગુલે પત્ની પર ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા પરિવારજનો અને સ્થાનિકોની મદદથી તાત્કાલિક સારવાર માટે જામનગરની GG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ રબાની પાર્ક વિસ્તારમાં કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પતિ હબીબ મજગુલે તલવાર વડે પત્ની પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. અચાનક થયેલા હુમલાથી મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી. મહિલાના શરીર પર તલવારના ઘા લાગતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ મહિલાની તબીબી સારવાર ચાલી રહી છે.
ભોગ બનનાર મહિલાની માતાએ પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આરોપી પતિ અગાઉ પણ સામાન્ય બાબતોને લઈને પત્ની સાથે મારપીટ કરતો હોવાનો આક્ષેપ છે. ઘરેલુ બાબતોને લઈને વારંવાર તકરાર થતી હોવાની પણ માહિતી સામે આવી છે.
ઘટનાની જાણ થતાં સિટી-A ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાની પરિસ્થિતિ, હુમલા પાછળનું કારણ અને બંને વચ્ચે થયેલી બોલાચાલી અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
