<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ભાવનગર લઠ્ઠાકાંડઃ ૨૧ સામે ગુન્‍હોઃ ૫ પોલીસ સસ્‍પેન્‍ડ

ગોૈતમ સોલંકી સહિત ૨૧ બુટલેગરો બન્‍યા મોતના સોદાગર :નકલી દારૂકાંડમાં વધી રહેલ મૃત્‍યુઆંક ચિંતાનો વિષયઃ સતાવાર ૭ના મોત, બિન સત્તાવાર ૯ ના મૃત્‍યુઃ જુદી-જુદી હોસ્‍પિટલોમાં ૩૯ વ્‍યકિતઓ સારવારમાં: હજુ ૭ની હાલત ગંભીરઃ ૪૬ વ્‍યકિતઓએ દારૂ પીધો'તો

ભાવનગરઃ પ્રથમ તસ્‍વીરમાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સારવારમાં રહેલ વ્‍યકિત, બીજી તસ્‍વીરમાં અધિકારીઓ દ્વારા નીરીક્ષણ, ત્રીજી તસ્‍વીરમાં સગાસંબધીઓ, ચોથી તસ્‍વીરમાં કલેકટર ડો.મનીષ બંસલ અને પાંચમી તસ્‍વીરમાં એસપી નિતેશ પાંડેય નજરે પડે છે. (તસ્‍વીરઃ મેઘના વિપુલ હિરાણી- ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૨૦ :..  ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા બનાવટી અને નકલી દારૂના કાળા કારોબાર સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ ચકચારી મામલે વરતેજ પોલીસ સ્‍ટેશનમાં મુખ્‍ય સૂત્રધાર અને બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ ૨૧ ઇસમો સામે ભારતીય ન્‍યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્‍ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે. આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્‍વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છે.

 પ્રાપ્ત વિગતો અનુસાર, વરતેજ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ગેરકાયદેસર બનાવટી દારૂનું ઉત્‍પાદન અને વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે દરોડા પાડી મોટું રેકેટ ખુલ્લું પાડ્‍યું હતું. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મુખ્‍ય આરોપી ગૌતમ સોલંકી અને તેના અન્‍ય ૨૦ સાગરીતોની સક્રિય સંડોવણી સામે આવી હતી. બનાવટી દારૂના કારણે લોકોના આરોગ્‍ય સામે મોટું જોખમ ઊભું થવાની શકયતાને ધ્‍યાને રાખી પોલીસે આ મામલે સજ્જડ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

 ખુદ પોલીસ વિભાગના જ કર્મચારીઓ સામે સ્‍પષ્ટ અને આકરી કાર્યવાહી કરીને જિલ્લા એસ.પી. નિતેશ પાંડેયે સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે, કોઈપણ પ્રકારની ગેરરીતિ, બેદરકારી કે બુટલેગરો સાથેની સાઠગાંઠ ચલાવી લેવામાં આવશે નહીં. સસ્‍પેન્‍ડ કરાયેલા કર્મચારીઓ સામે પણ આગળની નિયમાનુસાર તપાસ ચાલુ કરી દેવામાં આવી છે, જ્‍યારે ૨૧ આરોપીઓને ઝડપી પાડવા અને આ દારૂના નેટવર્કના અન્‍ય તાર કયાં જોડાયેલા છે તે શોધવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.

ભાવનગર પોલીસે ૨૧ બુટલેગરો વિરુદ્ધ આર્થિક લાભ મેળવવા ઈરાદા પૂર્વક ઝેરી કેમિકલ યુક્‍ત લઠ્ઠો પીવાથી પીનારનું મળત્‍યુ થશે તેમ જાણવા છતાં આ ઝેરી કેમિકલને વિદેશી દારૂ તરીકે બનાવી બોટલમાં ભરી રોયલ સ્‍ટેગ બ્રાન્‍ડનું ખોટું બનાવટી સ્‍ટીકર ચોંટાડી ઇરાદાપૂર્વક વેચાણનો ગુનો નોંધ્‍યો હતો.

મોતના સોદાગર બનેલા આ ૨૧ બુટલેગરોમાં રઈશ, ગૌતમ સોલંકી, સારસ સોલંકી, જતીન કામ્‍બડ, ગણેશ, અમન, મનોજ, જુબેર, નરેન્‍દ્રસિંહ યાદવ ઉર્ફે ડોકટર (મળતક), ધર્મેન્‍દ્રસિંહ ગોહિલ, મંદીપસિંહ ગોહિલ, પારસ ઉર્ફે પપ્‍પુ ચુડાસમા, અર્જુનસિંહ ગોહિલ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, ભાર્ગવ ભટ્ટ, વિવેક આલગોતર, હર્ષ ચૌહાણ, કેવલ સોલંકી, સુખદેવ સલાડ, હાર્દિક બારૈયા ઉર્ફે ટીંચોનો સમાવેશ થાય છે. હવે પોલીસ માટે માત્ર નકલી દારૂ કોણે બનાવ્‍યો તે જ નહીં, પરંતુ દારૂ કયાંથી આવ્‍યો, કોના મારફતે ભાવનગર પહોંચ્‍યો, કોને કટીંગ કરી આપવામાં આવ્‍યો અને કેટલા લોકો સુધી પહોંચ્‍યો તેની સંપૂર્ણ ચેઇન શોધવી સૌથી મહત્‍વની બની છે.

ભાવનગર શહેરમાં ચકચારી બનેલા નકલી દારૂ કાંડમાં મળત્‍યુઆંક સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર જિલ્લા સહિત પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્‍યો છે. આ ગંભીર ઘટનાની કડક નોંધ લઈને ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા ફરજમાં ઘોર બેદરકારી અને નિષ્‍કાળજી દાખવનારા પાંચ પોલીસ કર્મચારીઓને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરવાનો આકરો હુકમ કરવામાં આવ્‍યો છે.

 સસ્‍પેન્‍ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં વરતેજ પોલીસ સ્‍ટેશનના ડી-સ્‍ટાફ હેડ કોન્‍સ્‍ટેબલ જયરાજસિંહ પ્રકાશસિંહ, ડી-સ્‍ટાફ હેડ કોન્‍સ્‍ટેબલ અનિરુદ્ધસિંહ જયવંતસિંહ ડાયમાં, ડી-સ્‍ટાફ પોલીસ કોન્‍સ્‍ટેબલ શક્‍તિસિંહ હરુભા સરવૈયા અને બીટ જમાદાર એએસઆઈ ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિલમબાગ પોલીસ મથકના એક મહિલા પોલીસ કર્મીને પણ અન્‍ય ગુનાની તપાસમાં ફરજ દરમિયાન ગંભીર નિષ્‍કાળજી દાખવવા બદલ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. વરતેજ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં બનેલા બનાવને પગલે લોકલ સ્‍ટાફ તેમજ બીટ ઇન્‍ચાર્જ સામે કડક શિસ્‍તભંગના પગલાં ભરાતા સમગ્ર પોલીસ આલમમાં ફાળ પડી ગઈ છે.

 

 

(11:01 AM IST)