<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ભાવનગર પોલીસે દારૂના સપ્‍લાય સાથે સંકળાયેલા ૪ બુટલેગરોને ઝડપી લીધા

ઉજજૈનથી ભાવનગર સુધી નકલી દારૂનો જથ્‍થો કેવી રીતે પહોંચ્‍યો? કલેકટર ડો.મનીષ બંસલ અને એસપી. નિતેશ પાંડેયની આગેવાનીમાં તપાસનો ધમધમાટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૨૦ : ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં હાહાકાર મચી ગયો છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ડુપ્‍લીકેટ દારૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્‍પિટલોમાં ખસેડવામાં આવ્‍યા છે સત્તાવાર મળત્‍યુઆંક ૫ પર પહોંચ્‍યો હોવાનું સામે આવ્‍યું છે. જ્‍યારે બિન સત્તાવાર ૯ દર્દીઓના મોત નીપજ્‍યા હોવાનું જાણવા મળેલ છે.

૭ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્‍યું છે, જ્‍યારે ૪૦ થી વધુ લોકો ભાવનગરની વિવિધ હોસ્‍પિટલોમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઈ રાજ્‍ય સરકાર પણ હરકતમાં આવી છે અને પ્રકરણની તપાસ સ્‍ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવી છે. બીજી તરફ ભાવનગર પોલીસે નકલી દારૂના સપ્‍લાય સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને ઝડપી લઈ સઘન પૂછપરછ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં નકલી દારૂનો આ જથ્‍થો મધ્‍યપ્રદેશના ઉજ્જૈનથી ભાવનગર લાવવામાં આવ્‍યો હોવાનું બહાર આવ્‍યું છે. ઉજ્જૈનથી ડુપ્‍લીકેટ ‘રોયલ સ્‍ટેગ' દારૂની કુલ ૨૮ પેટી લાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, જેમાંથી પોલીસે અત્‍યાર સુધીમાં ૧૫ પેટી જપ્ત કરી લીધી છે. બાકીની ૧૩ પેટી કયાં પહોંચાડવામાં આવી છે અને કોના હાથમાં છે તે શોધવા માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. પોલીસે અત્‍યાર સુધીમાં મોટાભાગનો જથ્‍થો રિકવર કરી લીધો હોવાનો દાવો કર્યો છે.

 

આ નકલી દારૂનો સપ્‍લાય છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન ભાવનગર શહેર તથા જિલ્લાના જુદા જુદા વિસ્‍તારોમાં કરવામાં આવ્‍યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે. ભરતનગર, અકવાડા, તળાજા રોડ ઉપરાંત ઘોઘા તાલુકાના ખાટડી, ખરકડી, નાના ખોખરા અને દેવગાણા સહિતના વિસ્‍તારોમાંથી નકલી દારૂની અસરગ્રસ્‍ત વ્‍યક્‍તિઓ મળી આવી છે. એકસાથે અનેક લોકોની તબિયત લથડતાં સમગ્ર મામલો પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના ધ્‍યાને આવ્‍યો હતો અને ત્‍યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

ઘોઘા તાલુકાના ખરકડી ગામે તા.૧૬ ઓગસ્‍ટના રોજ સાત મિત્રો દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે. આ પાર્ટીમાં ડુપ્‍લીકેટ દારૂનું સેવન કર્યા બાદ કેટલાક લોકોની તબિયત અચાનક બગડી હતી. સારવાર દરમિયાન ઉપેન્‍દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલનું મોત થતાં બનાવની ગંભીરતા સામે આવી હતી. અન્‍ય મિત્રો ઘનશ્‍યામસિંહ જાડેજા તથા વિશ્વરાજસિંહ ગોહિલ સહિતના લોકોને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. પરિવારજનોએ દારૂમાં ઝેરી પદાર્થ હોવાની આશંકા વ્‍યક્‍ત કરી છે.

આ સમગ્ર પ્રકરણમાં મળત્‍યુ પામેલા લોકોમાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ.૪૦, રહે. તળાજા રોડ, ભાવનગર), ઉપેન્‍દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ.૨૫, રહે. ખરકડી, તા.ઘોઘા), નરેન્‍દ્રસિંહ યાદવ (રહે. ઈન્‍દોર, મધ્‍યપ્રદેશ) અને ભ્‍પ્‍ બસના ચાલક કનકસિંહ ગોહિલ (રહે. ભાવનગર)નો સમાવેશ થાય છે. જોકે, તમામ મળત્‍યુનું કારણ નકલી દારૂ જ છે કે કેમ તે અંગે અંતિમ તબીબી અને ફોરેન્‍સિક તપાસ બાદ જ સત્તાવાર રીતે સ્‍પષ્ટતા થશે. નરેન્‍દ્રસિંહ અમદાવાદથી ભાવનગર આવ્‍યા હોવાનું પણ જાણવા મળ્‍યું હોવાથી તેમના મળત્‍યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

હાલ ભાવનગરની વિવિધ હોસ્‍પિટલોમાં ૨૦ થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. અન્‍ય હોસ્‍પિટલમાં પણ ૨૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. સિવિલ હોસ્‍પિટલ, આરોગ્‍યમ હોસ્‍પિટલ, વેદ ICU તથા બિમ્‍સ હોસ્‍પિટલ સહિતની હોસ્‍પિટલોમાં અસરગ્રસ્‍ત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક દર્દીઓમાં આંખોમાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્‍કેલી સહિતના ગંભીર લક્ષણો જોવા મળ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે. દર્દીઓની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને તબીબી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્‍યું છે અને નિષ્‍ણાત તબીબોની મદદ લેવામાં આવી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને જિલ્લા કલેક્‍ટર ડો. મનીષ બંસલે હોસ્‍પિટલોમાં દર્દીઓને ઝડપી અને યોગ્‍ય સારવાર મળી રહે તે માટે ડેડિકેટેડ સ્‍ટાફ તથા સ્‍પેશિયલ મેડિકલ ટીમ ફાળવવા સૂચના આપી છે. અમદાવાદથી નેફ્રોલોજીસ્‍ટ તબીબને પણ ભાવનગર બોલાવવામાં આવ્‍યા હતા. હોસ્‍પિટલોમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સતત તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

(1:54 PM IST)