<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સાવરકુંડલાઃ ડહોળુ પાણી વિતરણ, કલોરીન નાખવામાં ન આવતા રોગચાળોઃ રામદેવસિંહ ગોહિલની ફરિયાદ

પૂર્વ ભાજપ મહામંત્રીએ સરકારમાં ઉચ્‍ચસ્‍તરે રજૂઆત કરી

 

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૦: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડની સાવરકુંડલા કચેરી તથા અમરેલી વડી કચેરી દ્વારા એજન્‍સી હીર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ - અમદાવાદ સાથે મેળાપીપણું કરી કરોડો રૂપિયાનો ગોટાળો કરી કૌભાંડ આચરવામાં આવ્‍યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્‍યો છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ સાવરકુંડલા વિભાગમાં એજન્‍સી હીર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ-અમદાવાદ દ્વારા નિભાવણી માટે રૂપિયા ૫ કરોડનું ટેન્‍ડર મેળવેલ હતું, જેમાં એજન્‍સી દ્વારા ખૂબ જ મોટાપાયે ગેરરીતિઓ કરેલ છે. જેમાં પાણી વિતરણ વ્‍યવસ્‍થામાં પાણીમાં ક્‍લોરીન નાખવામાં આવતું નથી. દરેક પંપિંગ સ્‍ટેશન ઉપર ખૂબ જ ગંદકી જોવા મળે છે, જેથી લોકોનું આરોગ્‍ય જોખમાય છે, આ વિસ્‍તારમાં ચોમાસા દરમિયાન ડહોળું પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી લોકો બીમાર પડી જાય છે, અને ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે,

તદઉપરાંત એજન્‍સી હીર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ-અમદાવાદ દ્વારા નિભાવણી માટેના માણસોના સપ્‍લાયમાં પણ મોટાપાયે ગેરરીતિઓ કરી કૌભાંડ આચરવામાં આવેલ છે, મિકેનિકલ અને સિવિલ વિભાગમાં ખોટા નામો દર્શાવી બારોબાર પગાર ઉપાડી લેવામાં આવેલ છે, ઘણી જગ્‍યાએ એકસરખા નામ પણ જોવા મળે છે, પંપીંગ સ્‍ટેશન અને હેડ વર્ક્‍સના રજીસ્‍ટરમાં અસંખ્‍ય બોગસ નામો ચાલી રહ્યા છે અને લાખો રૂપિયાના ખોટા પગાર ઉપાડી લેવામાં આવે છે, ઘણી જગ્‍યાએ પરિવારના બધા સભ્‍યોના નામ દર્શાવી ખોટા પગાર ઉપાડી લેવામાં આવે છે. હાજરી પત્રક અને રજીસ્‍ટરમાં ઓન પેપર ઘણા નામો દર્શાવેલ છે પરંતુ હેડ વર્કસ અને પંપિંગ સ્‍ટેશનમાં રૂબરૂ તપાસ કરતા એકાદ ગણ્‍યા ગાંઠ્‍યા કર્મચારી જ જોવા મળે છે, અને જે કર્મચારી નિયમિત નોકરી કરે છે તેને પણ પગાર પત્રકમાં દર્શાવેલ પગાર કરતા ઘણો ઓછો પગાર આપવામાં આવે છે.

આમ એજન્‍સી દ્વારા કર્મચારીઓનું શોષણ પણ કરવામાં આવે છે, એજન્‍સી હીર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ-અમદાવાદમાં કામ કરતાં ભાગીદાર કે કર્મચારીના નામે પણ ખોટા પગાર લેવામાં આવે છે, આમ પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ સાવરકુંડલા, અમરેલી અને એજન્‍સી હીર એન્‍ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ-અમદાવાદ દ્વારા સાથે મળી કૌભાંડ આચરી, ગેરરીતિઓ કરી, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારમાં આવેલ છે, જે અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સહિત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડના ગાંધીનગર ખાતે રાજ્‍યકક્ષાના ઉચ્‍ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી પગલાં લેવા રજૂઆત કરવામાં આવેલ છે.

(1:18 PM IST)