News of Thursday, 20th August 2026
જૂનાગઢના માણાવદરમાં ભરબજારે મોબાઈલ શોપ માલિકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યાથી ખળભળાટ
હુમલાખોરોએ દુકાનમાં ઘૂસી હુમલો કર્યો:દુકાનદારનું ઘટનાસ્થળે જ મોત: હુમલામાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો: સારવાર માટે જૂનાગઢ ખસેડાયો: પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ભરબજારે દુકાનદારની હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. મોબાઈલ શોપના માલિક પર દુકાનમાં ઘૂસી હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દુકાનદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અચાનક બનેલી ઘટનાથી બજારમાં અફરાતફરીનો માહોલ છે.
મળતી માહિતી મુજબ,હુમલાખોરોએ મોબાઈલ શોપમાં ઘૂસી દુકાનદારને નિશાન બનાવ્યો હતો. હુમલા દરમિયાન અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. સાથે જ હુમલાખોરો કોણ હતા અને કયા કારણોસર દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
માણાવદરના ભરચક બજારમાં બનેલી હત્યાની ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ઘટનાની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
