હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગર જિલ્લાને હચમચાવતો નકલી દારૂ કાંડ: સારવાર દરમિયાન વધુ એક યુવકે દમ તોડ્યો, મૃત્યુઆંક વધીને ૮ થયો
સતત વધી રહેલા મૃત્યુના આંકડાને પગલે સમગ્ર જિલ્લાભરમાં ભારે અરેરાટી સાથે ભારે રોષની લાગણી

( વિપુલ હિરાણી દ્વાર) ભાવનગર : ભાવનગર જિલ્લામાં નકલી દારૂના ઝેરથી સર્જાયેલા ત્રાસદીના વાદળો વધુ ઘેરા બન્યા છે. કથિત ઝેરી કે નકલી દારૂના સેવનથી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા વધુ એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં આ કરુણ ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને ૮ પર પહોંચી ગયો છે. સતત વધી રહેલા મૃત્યુના આંકડાને પગલે સમગ્ર જિલ્લાભરમાં ભારે અરેરાટી સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર તાલુકાના હાથબ ગામના વતની અને માત્ર ૩૨ વર્ષની નાની વય ધરાવતા સુધીરભાઈ કાળુભાઈ રાવળને નકલી દારૂની ઝેરી અસર થતાં અત્યંત ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ગહન સારવાર અને તમામ પ્રયાસો છતાં તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને આખરે આજે સારવાર દરમિયાન તેમણે આખરી શ્વાસ લીધા હતા. યુવાન વયના સુધીરભાઈના આકસ્મિક અવસાનના સમાચાર હાથબ ગામે પહોંચતા જ સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે અને પરિવારજનોના આક્રંદથી કરુણ દ્રશ્યો સર્જાયા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાસ્પદ બનેલા આ નકલી દારૂ કાંડમાં અનેક લોકો ગંભીર અસર હેઠળ હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા હતા. તે પૈકી એક પછી એક દર્દીઓના દમ તોડવાથી મૃત્યુઆંક સતત ઊંચો જઈ રહ્યો છે. આજે વધુ એક ભોગ બનનારનું મોત થતાં આ કાળજીલેણ દારૂ કાંડનો કુલ ભોગ બનનારનો આંકડો ૮ પર પહોંચ્યો છે, જ્યારે હજુ પણ કેટલાક દર્દીઓ તબીબી નિરીક્ષણ હેઠળ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે સમગ્ર ભાવનગર જિલ્લાના પોલીસ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. દારૂ ક્યાંથી આવ્યો, આ ઝેરી કેમિકલયુક્ત દારૂના વેચાણ પાછળ ક્યા મુખ્ય સૂત્રધારો અને બુટલેગરો સંકળાયેલા છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિક રહીશો દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડકમાં કડક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
