News of Friday, 21st August 2026
કેશોદ-સોંદરડા રોડ પર એસટી બસ સાથે બાઈકની ટક્કરમાં યુવતીનું કરૂણમોત
સોમનાથ-દહેગામ રૂટની ST બસ સાથે યુવતીની બાઈકનો અકસ્માત :અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી .

કેશોદમાં ST બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં 19 વર્ષીય યુવતીનું કરૂણ મોત થયું છે. કેશોદ-સોંદરડા રોડ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.મળતી માહિતી મુજબ, સોમનાથ-દહેગામ રૂટની ST બસ સાથે યુવતીની બાઈકનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. મૃતકની ઓળખ કુજલબેન ગાંગણા તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. કુજલબેન માત્ર 19 વર્ષની હતી અને તે નર્સિંગનો અભ્યાસ કરતી હોવાની માહિતી સામે આવી છે.મળતી વિગતો અનુસાર, કુજલબેન પોતાના વતન પાણખાણ તરફ જઈ રહી હતી. રસ્તામાં બનેલા આ અકસ્માતે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવતીના અચાનક મોતના સમાચારથી પરિવાર અને પરિચિતોમાં શોકનો માહોલ છવાયો છે.
અકસ્મતમાં યુવતીનું મોત કેવી રીતે થયું અને ST બસ તથા બાઈક વચ્ચે ટક્કર કયા સંજોગોમાં થઈ તેની વધુ વિગતો સામે આવવાની બાકી છે. અકસ્માત અંગે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી છે.નાની ઉંમરે નર્સિંગનો અભ્યાસ કરી રહેલી યુવતીનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર ઘટનાએ ફરી એકવાર રોડ સેફ્ટી (Road Safety) અંગે સવાલો ઉભા કર્યા છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
