News of Friday, 21st August 2026
ઉંચા વળતરની લાલચમાં વ્યાજે રૂપિયા લીધા, બળધોઇના યુવાને ઘર છોડવું પડયું
ધાકધમકી આપી વ્યાજખોરે ચેક બાઉન્સ પણ કરાવી નાખ્યો રોકાણ માટે આપેલા ૩.પ૦ લાખના કોઇ નફો ન આપતા ૪ શખ્સો પઠાણી ઉઘરાણી કરતા હતાઃ પાંચ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો

રાજકોટ તા. ર૧: જસદણના બળધોઇ ગામે રહેતા ભાર્ગવદાસ શિવરામભાઇ ગોંડલીયા (ઉ.વ. ૩૦)ને ઉંચા વળતરની લાલચ આપી એક શખ્સે ૩.પ૦ લાખની છેતરપીંડી કરી હતી. જે રકમ તેવો ૪ વ્યાજખોરો પાસેથી લીધી હોવાથી ચારેયે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી પરાણે મૂળ રકમથી વધારે વ્યાજ કઢાવી તેની સહિવાળો ચેક બાઉન્સ કરાવી ધમકી આપ્યાની પાંચ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.
જસદણ પોલીસે આ મામલે ભાર્ગવદાસ ગોંડલીયાની ફરીયાદ પરથી સંજય ધીરૂભાઇ ઠુંમર (રહે. રાયપર, તા. બાબરા), નાનજી પોલાભાઇ પરમાર (રહે. દેવળીયા, તા. કોટડા સાંગાણી), કિશન શીલદાસ ગોંડલીયા (રહે. ગઢીયા (જસી, તા. જસદણ), રવીદાસ પ્રવિણદાસ હરીયાણી (રહે. વેરાવળ ભાડી એન. કમલેશ જાની (રહે. જસદણ સામે), વ્યાજખોરી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાર્ગવદાસે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ર૦ર૪માં જસદણમાં ગુરૂવંદના કોમ્પ્યુટર નામની દુકાનમાં ફાયનાન્સનું કામ કરતો હતો ત્યારે આરોપી સંજય ઠુંમર સાથે પરિચય થયો હતો તેણે ‘હું એક કંપનીમાં રોકાણ કરૂં છું, જેમાં મેં રોકેલા નાણાથી ત્રણ ગણા મને દર મહિને મળે છે, તારે પણ વધારે રૂપિયા કમાવા હોય તો મને નાણા આપ, હું તને રોકીને ત્રણ ગણા કરી આપીશ.' પરંતુ તેવો આરોપીની વાતમાં ધ્યાન આપ્યું ન હતું.
ત્યારબાદ આરોપીએ ‘તું ચિંતા ન કર તારા નાણાની જવાબદારી મારી, મને અત્યારે ચાર લાખ આપ, હું કંપનીમાં ઇન્વેસ્ટ કરી દર મહિને તને ૩૦ થી ૩પ હજાર આપીશ, થોડા સમય પછી તને તારા ચાર લાખ પણ પાછા આપી દઇશ. તેમ લાલચ આપી હતી. જેથી તેણે આરોપી નાનજી પરમાર પાસેથી દર મહિને ૧ર હજારના વ્યાજ પેટે રૂા. બે લાખ, કિશન ગોંડલીયા દર મહિને ૭ હજાર પેટે રૂા. ર૦ હજાર, રવિદાસ હરીયાણી પાસેથી દર મહિને ૭ હજાર વ્યાજ પેટ પપ હજાર અને કમલેશ જાની પાસેથી રૂા. ર૦ હજાર દર મહિને વ્યાજ પેટે આપવાનું નકકી કરી પ૦ હજાર મળી કુલ રૂા. ૩.રપ લાખ લીધા હતા. જે રકમમાં તેની પાસે રહેલ રપ હજાર નાખી કુલ રૂા. ૩.પ૦ લાખ આરોપી સંજયને આપ્યા હતા. પરંતુ તેને કોઇ પ્રોફિટ અપાયો ન હતો. બીજી તરફ ચારેય વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેણે આરોપી નાનજીને ર.૧૬ લાખ, કિશનને ૪૯ હજાર, રવીદાસને ૬૩ હજાર અને કમલેશને ૧.૬૦ લાખ વ્યાજની રકમ ચુકવી હતી. છતાં તે વધુ રૂપિયા માંગતા હતા. કમલેશે તેની પાસેથી ધમકી આપી બે કોરા ચેક લઇ લીધા હતા. એટલું જ નહિં આરોપીઓ ફોન કરી ગાળો દઇ ધમકી આપતા હતા. અને જીવવું હોય તો સમયસર વ્યાજ આપવું પડશે, નહિંતર તને કે તારા પરિવારને જાનથી મારી નાખીશું કરી વ્યાજના રૂપિયા પડાવી લેતા ડરીને ઘર છોડીને જતો રહ્યો હતો. છતાં આરોપીઓ તેના પિતાને કોલ કરી ધમકી આપતા હતા. તેમજ કમલેશે કોરો ચેક બાઉન્સ કરાવ્યો હતો.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
