<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

પાણખાણ જતી કેશોદની નર્સિંગની વિદ્યાર્થીનીનું બસ હડફેટે મોત

કેશોદમાં સોંદરડા રોડ પર અકસ્‍માત, પરિવારજનોમાં ગમગીની

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧: કેશોદના કળષ્‍ણનગર વિસ્‍તારમાં રહેતી અને ર્નસિંગનો અભ્‍યાસ કરતી યુવતી કુંજલબેન વિક્રમસિંહ ગાંગણા (ઉં.વ. ૧૯) ગઈકાલે બપોરના સમયે પોતાની એક્‍ટિવા સ્‍કૂટર લઈને કેશોદથી પોતાના વતન પાણખાણ તરફ જઈ રહી હતી.

આ દરમિયાન કેશોદમાં સોંદરડા રોડ પરથી પસાર થતી વેળાએ પૂરપાટ ઝડપે આવતી જીજે ૧૮ ઝેડટી ૩૧ ૩૧ નંબરની એસ.ટી. બસના ચાલકે સ્‍કૂટરને જોરદાર હડફેટે લીધું હતું.

 આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે કુંજલબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્‍માતને પગલે આસપાસના સ્‍થાનિક લોકો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. ગંભીર રીતે ઘવાયેલી યુવતીને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઈજાઓ અત્‍યંત ગંભીર હોવાના કારણે ઘટનાસ્‍થળે જ તેનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.

 કેશોદથી પોતાના વતન પાણખાણ જઈ રહેલી યુવતી માટે આ એસ.ટી. બસ કાળ બનીને આવતાં પરિવાર પર આભ તૂટી પડ્‍યું છે. આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. નર્સિંગની વિદ્યાર્થીનીના અકાળે અવસાનથી તેના પરિવારજનો અને ગ્રામજનોમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

(11:25 AM IST)