<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

જડેશ્વર મહાદેવ મંદિરે મેળાને લઈને ૨૨ થી ૨૪ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધનું જાહેરનામું

મોરબી,તા .૨૧:મોરબી જિલ્લાના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા રવિવાર અને સોમવારને અનુલક્ષીને તા.૨૨-૦૮-૨૦૨૬ થી તા ૨૪-૦૮-૨૦૨૬ સુધી (કુલ ૩ દિવસ) લોકમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

લજાઈ ચોકડીથી વાંકાનેર જતા સ્‍ટેટ હાઈવે પર જી.આઈ.ડી.સી. આવેલી હોવાથી ભારે વાહનોની વધુ અવરજવરના કારણે મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્‍યા ન સર્જાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા તા. ૨૨-૦૮-૨૦૨૬ ના રોજ સવારે ૭ વાગ્‍યાથી તા. ૨૪-૦૮-૨૦૨૬ ના રાત્રે ૧૨ વાગ્‍યા સુધી જાહેરનામું બહાર પાડી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

જાહેરનામા અનુસાર લજાઈ ચોકડી, મોરબી રવાપર ગામ (ઘુનડા-સજનપર થઈને) તેમજ ટંકારા ખીજડીયા ચોકડી તરફથી રાતીદેવળી અને વાંકાનેર શહેર તરફ જતા ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. આ રૂટના વૈકલ્‍પિક રસ્‍તા તરીકે લજાઈ ચોકડી તરફથી જતા ભારે વાહનો માટે મિતાણા ચોકડીથી વાલાસણ, પીપળીયા રાજ અને અમરસર થઈને વાંકાનેર તરફ જવાનો માર્ગ નિર્ધારિત કરાયો છે. તેવી જ રીતે વાંકાનેરથી લજાઈ તરફ જતા ભારે વાહનો પણ અમરસર, પીપળીયા રાજ, વાલાસણ, મિતાણા ચોકડી અને ટંકારા થઈને લજાઈ તરફ જઈ શકશે.

(1:00 PM IST)