<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

મોરબીમાં યુવક કોંગ્રેસ દ્વારા‘બહેતર સિટી'અભિયાન અંતર્ગત ૧૩ વોર્ડમાં નાના કામદારોના પ્રશ્નોને અપાશે વાચા

ગુજરાતના ૫ જિલ્લામાં મોરબીનો સમાવેશ, આગામી ૬ થી ૮ મહિના સુધી અભિયાન ચાલશેઃ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્‍સુરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.૨૧: ઈન્‍ડિયન નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં ‘‘બહેતર સિટી''  અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. આ રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન અંતર્ગત દરેક રાજ્‍યમાંથી ૫-૫ જિલ્લાઓની પસંદગી ક૨વામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોની સાથે મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ અંગે  મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્‍સુરીએ જણાવ્‍યું હતું કે, આ અભિયાન મોરબી માટે ગૌરવની બાબત છે અને યુવક કોંગ્રેસ તેને 100% સફળ બનાવવા માટે પૂરા પ્રયાસો કરશે.

વસીમ મન્‍સુરીએ અભિયાનના હેતુ અંગે જણાવ્‍યું હતું કે, શહેરમાં નાના રોજગાર-ધંધા સાથે સંકળાયેલા લોકો, સફાઈ કર્મીઓ, ગીગ વર્કર્સ, સિકયોરિટી ગાર્ડ, લારી-ગલ્લા ધારકો અને રીક્ષા ચાલકો જેવા લોકો જે નોકરી કે ધંધો કરે છે તેમને વર્તમાન સમયમાં કોઈ પ્રકારની સામાજિક કે આર્થિક સુરક્ષા મળતી નથી. આ તમામ સામાન્‍ય અને અસંગઠિત વર્ગના લોકોને પડતી મુશ્‍કેલીઓને વાચા આપવા આ અભિયાન હાથ ધરાયું છે.

યુવક કોંગ્રેસની ટીમ દ્વારા મોરબી શહેરના તમામ ૧૩ વોર્ડમાં રૂબરૂ જઈને આ વર્ગના લોકો સાથે સીધો સંવાદ સાધવામાં આવશે. તેમની સ્‍થાનિક અને વહીવટી સમસ્‍યાઓની નોંધ લઈ આવેદનપત્ર, અરજીઓ તેમજ જરૂર પડ્‍યે લડત આપીને તે પ્રશ્નોનું 100% નિરાકરણ લાવવા પ્રયત્‍ન કરવામાં આવશે.

આ કાર્યક્રમનું સત્તાવાર લોન્‍ચિંગ ક૨ી દેવામાં આવ્‍યું છે અને આગામી ૬ થી ૮ મહિના સુધી મોરબીના તમામ વોર્ડમાં આ ઝુંબેશ સતત ચલાવવામાં આવશે. નાના શ્રમિકો અને કામદારોના હક અને અધિકારો માટે યુવક કોંગ્રેસ મેદાનમાં ઉતરીને અવાજ બુલંદ કરશે.

(1:01 PM IST)