<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

પોરબંદર એલસીબીનો સપાટો : કુતિયાણાના ટીંબીનેસ ગામમાંથી નકલી-ભેળસેળયુક્ત દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ : ૩૦ લિટર શંકાસ્પદ દૂધ જપ્ત : જુઓ વિડિયો

ભેળસેળયુક્ત દૂધ બનાવવા માટે વપરાતો સ્કીન મિલ્ક પાવડર, અડધા ભરેલા બાચકા અને તેલના ડબ્બા મળી આવ્યા : આરોપી વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હેઠળ કાર્યવાહી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૨૧ : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક  ભગીરથસિંહ જાડેજા સાહેબ (I.P.S) દ્વારા પોરબંદર જિલ્લામાં ભેળસેળયુક્ત બનાવટી/નકલી દૂધનું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ સઘન અને અસરકારક કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના અન્વયે પોરબંદર LCBની ટીમ દ્વારા બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

 

પોરબંદર LCBના PC નટવરભાઈ ઓડેદરાને મળેલ હકીકત આધારે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટીંબીનેસ ગામમાં રહેતા સરમણ ગોગનભાઈ કોડીયાતર શંકાસ્પદ રીતે ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી/સંગ્રહ કરતો હોવાની માહિતી મળી હતી.

 

જે હકીકત આધારે ટીંબીનેસ રબારીકા જય માતાજી દુધની ડેરી પાસે રહેતા સરમણ ગોગનભાઈ કોડીયાતરના રહેણાંક મકાને જઈ તપાસ હાથ ધરતા સ્થળ પરથી 30 લીટર જેટલું શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ તથા દૂધ બનાવવાનો સ્કીન મિલ્ક પાઉડરના 25-25 કિલોના બાચકાઓ નંગ-03 તથા 25-25 કિલોના અડધા ભરેલા બાચકા નંગ-02 મળી કુલ-75 કિલો દુધનો પાઉડર તથા પામોલીન તેલના ડબ્બા નંગ-14 વિગેરે દુધમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતી અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવતા તુરંત જ આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી વી.જે.ડાભી સાહેબને જાણ કરતા ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી દ્વારા જરૂરી શંકાસ્પદ દૂધના સેમ્પલો તપાસણી અર્થે જપ્ત કરી બનાવટી દૂધનો સ્થળ પર નાશ કરી મળી આવેલ અન્ય સામગ્રી સરમણ ગોગનભાઈ કોડીયાતર વિરુદ્ધમાં Food and drugs કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

આ કાર્યવાહીથી ભેળસેળયુક્ત દૂધ બનાવી સામાન્ય જનતાના આરોગ્યને નુકસાન પહોંચાડવાની સંભાવના ધરાવતી પ્રવૃત્તિ ઉપર અસરકારક નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

 

ઉલ્લેખનીય છે કે પોરબંદર LCB દ્વારા તાજેતરમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા કુભારવાડામાંથી ઝડપી પાડી બનાવટી ઘી તથા તેને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરવામાં આવેલ હતી. તેમજ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બનાવટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તૈયાર કરી તેનું ઉત્પાદન તથા વેચાણ કરતી કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના કોલેટર ઇન્ડસ્ટ્રીઝ બંગલો સામે આવેલ બાબુભાઈ કેશવભાઈ ઓડેદરાના વાડામાંથી ઝડપી પાડી મોટી માત્રામાં દારૂ બનાવવાની સામગ્રી તથા સાધનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

આ કામગીરીમાં LCB I/C PI  આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઈ વિગુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, ઉદયભાઈ વરૂ, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ જાડેજા તથા HC સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમશુભાઈ મકડા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા તથા PC નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. PC રોહીતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.

(2:37 PM IST)