<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

કચ્છના અંજાર નજીક અજાપર પાસે બાઈક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરીંગ કરી બાઈકસવારને આંતરીને સોનાની ચેઈન લૂંટી:નાકાબંધી

લૂંટારૂઓએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું :આરોપીઓએ ભોગ બનનાર બાઈકસવાર પર પણ સીધું ફાયરિંગ કરવાનો ઘાતકી પ્રયાસ કર્યો

કચ્છ જિલ્લાના અંજાર નજીક આવેલા અજાપર ગામ પાસે અજાણ્યા ત્રણ લૂંટારૂઓએ ધોળે દિવસે એક બાઈકસવારને આંતરીને હવામાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ બાઈકસવાર પાસેથી આશરે 90 હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેઈન લૂંટી લીધી હતી અને ભોગ બનનાર પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ભોગ બનનાર વ્યક્તિ પોતાના મોટરસાયકલ પર સવાર થઈને અજાપર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક જ બાઈક પર સવાર થઈને આવેલા 3 અજાણ્યા લૂંટારૂઓએ તેનો પીછો કરીને તેને રસ્તામાં બળજબરીપૂર્વક અટકાવ્યો હતો. આરોપીઓએ કોઈપણ પ્રકારની વાતચીત કર્યા વિના સીધી જ ઝપાઝપી શરૂ કરી દીધી હતી અને યુવકના ગળામાંથી સોનાની કિંમતી ચેઈન ઝૂંટવી લીધી હતી.

લૂંટની આ વારદાત દરમિયાન વિસ્તારમાં દહેશત અને ભયનો માહોલ ફેલાવવા માટે લૂંટારૂઓએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આટલેથી ન અટકતાં આરોપીઓએ ભોગ બનનાર બાઈકસવાર પર પણ સીધું ફાયરિંગ કરવાનો ઘાતકી પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ગોળીબારના પ્રયાસ દરમિયાન યુવકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. લૂંટારૂઓ ગુનો આચરીને પળવારમાં બાઈક પર નાસી છૂટ્યા હતા.

ગોળીબાર સાથે લૂંટની ઘટનાની જાણ વાયુવેગે ફેલાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ભય વ્યાપી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ અંજાર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત બાઈકસવારનું નિવેદન નોંધીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરીને તેમજ જિલ્લાભરમાં સઘન નાકાબંધી ગોઠવીને ત્રણેય લૂંટારૂઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:36 PM IST)