<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

માંગરોળના શેરીયાજબારામાં બંધ મકાનમાંથી ૧.૪૦ લાખના મુદ્દામાલની ચોરી

વહેલી સવારે તસ્‍કરોના તરખાટથી ગ્રામજનોમાં ફફડાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૨: માંગરોળના શેરીયાજબારામાં બંધ મકાનમાંથી તસ્‍કરો રૂપિયા ૧.૪૦ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

માંગરોળ તાલુકાના શેરીયાજબારા ગામમાં રહેતા કાસમભાઈ જુસબભાઈ સમાનું મકાન તારીખ ૧૭ની રાત્રિના ૧૧ વાગ્‍યાથી વહેલી સવારના ૪:૦૦ વાગ્‍યા સુધી બંધ હતું ત્‍યારે ઘરમાં રાતના સમયે પ્રવેશ કરી દરવાજાનો નકુચો તોડી નાખી મકાનમાં પ્રવેશી તસ્‍કરોએ પતરાની પેટીનૂં તાળુ તોડી નાંખ્‍યું હતું.

બાદમાં પેટીમાં રાખેલ રોકડ રૂપીયા ૪૦૦૦૦, રૂપિયા ૮૦,૦૦૦ની કિમતના સવા તોલાના જુનવાણી સોનાના ઈયરીંગ તથા ૨૦ તોલાની આશરે વીસેક વર્ષ જુની ચાંદીની ૮ બંગડી તેમજ ઘરની અભેરાઈ ઉપર રાખેલ આશરે ચાલીસેક વર્ષ જુનવાણી ત્રાંબાના ઘણા બધા વાસણો મળી કુલ મુદ્દામાલ કિમત રૂપીયા ૧.૪૦ લાખની માલમતા લઈને નાસી ગયા હતા.

આ અંગે ગઈકાલે કાસમભાઈ જુસબભાઈ સમાએ ફરિયાદ કરતા માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી હતી.

(10:17 AM IST)