<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

મેંદરડા પાસે બોલેરો પલટી જતાં ભાઈની નજર સામે બહેનનું મોત

વધુ એક અકસ્‍માતમાં મજૂરી કામે જતા ૪ લોકો ઈજાગ્રસ્‍ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૨: મેંદરડા તરફ આવી રહેલી જીજે ૧૧ વીવી ૪૦૧૭ નંબરનું બોલેરો પીકઅપ પલટી જતા ભાઈની નજર સામે બહેનનું મૃત્‍યુ થયું હતું અને ૪ લોકોને ઈજા સારવાર માટે ખસેડાયા હતા.

 અકસ્‍માતની વિગતો એવી છે કે વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે રહેતા અને મૂળ મધ્‍યપ્રદેશના મનીષભાઈ બાબુભાઈ ભુરીયાનીરુફરિયાદ અનુસાર, તેઓ પરિવાર અને અન્‍ય મજૂરો સાથે કામ અર્થે મેંદરડા જઈ રહ્યા હતા. શુક્રવારે સવારના આશરે સાડા છ વાગ્‍યાના સુમારે નદીના પુલ પાસે ચાલક રાહુલભાઈ મોહનભાઈ વાઘે મેંદરડાના ઇંટાળી ગામ પાસે બોલેરો પીકઅપ વાહન પૂરઝડપે ચલાવતાં બોલેરો પલટી મારી ગઈ હતી.

આ અકસ્‍માતમાં બોલેરો નીચે દબાઈ જવાથી પાયલ બાબુભાઈ ભુરીયા નામની સગીરાનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્‍યું હતું. જ્‍યારે મનીષભાઈ ભુરીયા અને તેની બહેનો પાર્વતી (ઉ.વ. ૧૮) તથા કમલા (ઉ.વ. ૧૨) અને ડ્રાયવરને ઈજા પહોંચતાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર અર્થે મેંદરડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.

 આ અક્‍સ્‍માત અંગે મેંદરડા પોલીસે યુવકની ફરિયાદ આધારે આરોપી ચાલક રાહુલ વાઘ સામે ભારતીય ન્‍યાય સંહિતા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

(10:17 AM IST)