તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
વાંકાનેર પાસે સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવનો સોમવારે પ્રાગટય દિવસ ઉજવાશે
મહાદેવની વર્ણાગીની તથા પાલખી યાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ જોડાશેઃ બે દિવસ દરમિયાન લોકમેળો યોજાશે

વાંકાનેર, તા. રરઃ વાંકાનેર શહેરથી દશ કિ.મી. દૂર મોટા-મોટા ડુંગરો આવેલા છે આમાં એક ડુંગર રતન ટેકરી તરીકે ઓળખાય છે. આ ટેકરીની ટોચ ઉપર સૌરાષ્ટ્ર પ્રસિધ્ધ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ નું વિશાળ જગ્યા ધરાવતું ભવ્ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે. આસપાસનો વિસ્તાર જંગલ (વીડી) જેવો છે રતનટેકરી અને આસપાસના ડુંગરો અને ધરતી ઉપર આ વર્ષે પણ મેઘરાજાએ જલાભિષેક કરતા આ આખો વિસ્તાર લીલોછમ બની ગયો છે.
ભગવાન શિવપ્રિય પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથીજ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવના મંદિરે દરરોજ વહેલી સવારના ઘણા પગપાળા તો ઘણા વાહનો મારફત ભગવાન ભોળાનાથની પુજા-આરાધના -દર્શન અર્થે બહોળી સંખ્યામાં ભાવિકો આવે છે. સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી રતિલાલજી મહારાજે એ માહિતી આપતા જણાવેલ છે કે મંદિરની આ વિશાળ જગ્યામાં ૧૦૦ થી વધુ રૂમો રહેવા માટે છે તેથી શ્રાવણ માસના પ્રારંભ પહેલા જ ભદેવો આવવા લાગે છે અને આ તમામ રૂમો તેમને આખો માસ રહેવા માટે આપવામાં આવે છે. અહીં ભદેવો આખો શ્રાવણમાસ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવની પુજા આરાધના કરે છે.
સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિરમાં ભુદેવો ઉપરાંત યાંત્રિકો-ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત મંદિરના પ્રાંગણમાં પ્રસાદ ઘરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી ભાવિકો ભેટ ધરી પ્રસાદ ઘેર પણ લઈ જઈ શકે છે.
ઘણા ભાવિકો દ્વારા લઘુરૂદ્ધ-ભંડારા પણ થાય છે. મંદિરની આ વિશાળ જગ્યામાં સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ નિજ મંદિર ઉપરાંત ગાયત્રી મંદિર, અન્નપુર્ણા મંદિર, શ્રી રાવળેશ્વર મહાદેવ, બહુચરાજી માતાજી, ગુરૂજી મંદિર, સાંઈનાથ બાબાનું મંદિર, સત્યનારાયણ ભગવાનના મંદિરો પણ આવેલા છે. મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશતા પહેલા આ મંદિરની રીનોવેશન કરેલી સુંદર ગૌશાળા જોવા મળે છે. આ ગૌશાળામાં ૧૨૦ જેટલી ગૌમાતાની સેવા ચાકરી કરવામાં આવે છે. આ ગાય માતાનું દુધ વહેંચવામાં નથી આવતું અને તેનું ઘી પણ બનાવવામાં નથી આવતું આ ગૌમાતાનું દુધ યાત્રિકો માટે ચા-દૂધ અને દહી-છાશ માટે વાપરવામાં આવે છે.
મંદિર દ્વારા પ્રકાશિત પૂર્વજન્મ પરિચય પુસ્તિકામાં જણાવ્યા મુજબ આ ઐતિહાસિક સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય ઈતિહાસ જામનગરના રાજવી જામશ્રી રાવળજીના જીવન સાથે સંકળાયેલો છે. જામ રાવળનું માથું નાનપણથી કાયમ દુખ્યા કરતું હતું. તેમાં વાવઝોડું કે પવન-વરસાદના તોફાન વખતે ખાસ વધારે દુખતું તેના માટે અનેક વૈદો, હકીમો કે મંત્ર-તંત્રાદિ કિયાઓના ઈલાજો કરાવેલ તે નિરર્થક નિવડયા. જામનગરની ગાદીએ આવ્યા પછી કોઈએ કહયું કે ધ્રોળના એક ત્રિકાળદર્શી વિદ્વાન બ્રાહમણ રહે છે અને તેમનું નામ પંજુ ભટ્ટજી છે તેમને બોલાવી બતાવવાથી ખરું કારણ કહી આપશે.આ ઉપરથી ભટ્ટજીને બોલાવવા માટે વાહનો સાથે માણસો મોકલ્યા. આ પવિત્ર પુરૂષ સારસ્વત બ્રાહમણ હતા. ત્રિકાળદર્શી હોવાથી તેમની ખ્યાતિ ઘણી હતી. ભટ્ટજીને લઈને માણસો જામનગર પહોંચ્યા જયાં જાહેર કચેરીમાં ભટ્ટજીનો સત્કાર કર્યો અને રાવળજીએ પોતાના માથાના દુખાવા અંગેનો પ્રશ્ન રજુ કર્યો.
ભટ્ટજીએ ધ્યાન ધરી અને રાજવીના માથાના દુખાવાનું કારણ આપતા કહયું કે અહીંથી ૨૫-૩૦ ગાઉ છેટે ડુંગરાળા વિસ્તારમાં એક ટેકરાં ઉપર અરણીનું ઝાડ આવેલું છે તે પવનથી કે અન્ય રીતે હલવાથી આપનું માથું દુઃખે છે. આ અંગે રાજા અને તેમના દરબારીઓને થોડી નવાઈ લાગી અને વાત સત્ય છે કે કેમ તે માટે ભટ્ટજીના જણાવ્યા મુજબ તેઓને સાથે લઈ આ ડુંગરાઓ ઉપર આવી અરણીનું ઝાડ શોધી ભટ્ટજીએ તે ઝાડને સોટો મારી હલાવતા રાજવીને માથુ અતિશય દુખવા લાગ્યું અને તેઓને ભટ્ટજીની વાતમાં શ્રધ્ધા જાગી અને આમ થવાનું કારણ પુછતા ભટ્ટજીએ ધ્યાન ધરી અને જણાવ્યું કે પૂર્વ જન્મમાં આપ અહીંથી થોડે દુર આવેલા અરણીટીંબા ગામના પરસોતમ સોનીની ગાયો ચરાવતા ભગવાન ભરવાડ હતા અને આપે કમળ પજા કરેલ તેથી આપની ખોપરી અહીં દડી આવી પડેલ અને તેના પર આ અરણી ઉગી નીકળેલ તેથી જયારે અરણી હલતી ત્યારે આપને માથુ દુખતું. રાજાએ તુરંતજ ઝાડને તલવારથી કાપી તુંબલીને સાથે લઈ જઈ તેની પુંજા અર્ચના કરી અગ્નિ સંસ્કાર કરી અને મહાદેવજી જયાં પ્રગટ થયા ત્યાં અને તુંબડીના કરેલા અગ્નિ સંસ્કાર પર બન્ને મંદિરો જામરાવળજીએ બંધાવ્યા હોવાનું આ પુસ્તકમાં દર્શાવેલ છે.
દાનવીર રાજવી જામ રાવળજીના ઈતિહાસ સાથે જામનગરના રાજકવિએ એક દુહો લખ્યો છે.
‘જડીયો જંગલમાં વસે, ઘોડાનો દાતાર ત્રુઠયો રાવળ જામને, હાંકી દીધો હાલાર'
જંગલમાંથી જડયા એટલે મહાદેવનું નામ જડેશ્વર મહાદેવ રાખ્યું અને જયાં તુંબડીનો સંસ્કાર કર્યો તે ઉપર મહાદેવની પ્રતિષ્ઠા કરી તેમનું નામ રાવળેશ્વર મહાદેવ રાખ્યુ. આ બન્ને મંદિરો બાજા બાજુમાં આવેલા છે.
સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ શ્રાવણ માસના બીજા સોમવારે પ્રગટયા હોઈ તેથી શ્રાવણ માસના બીજા સોમવારે અને આગલો દિવસ રવિવાર આમ રવિ-સોમ બે દિવસ મંદિરના નીચેના ભાગે આવેલ પટાંગણમાં લોક સાંસ્કળતિક મેળો ભરાય છે. જેમા હજજારો લોકો ઉમટી પડે છે તેમજ શ્રાવણ માસના દર સોમવારે દાદાની પાલખી નીકળે છે અને રતનટેકરી અને જયાં પ્રાગટય દિને લોક સાંસ્કળતિક લોકમેળો યોજાય છે તે ગ્રાઉન્ડમાં ફરી પુનઃનીજ મંદિરે પહોંચે છે.
સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ગુજરાતભરમાંથી શ્રધ્ધાળુઓ લધુરૂદ્ર અને પુજા અર્ચના માટે દરરોજ હજારો ભાવિકો પધારે છે. વાંકાનેરથી જડેશ્વર જવા માટે એસ.ટી.બસ અને અન્ય વાહનો પણ સતત મળતા રહે છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
