<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

જામનગરમાં કાળા કાચવાળા વાહનો સામે પોલીસની લાલ આંખ : નેત્રમ સીસીટીવી સર્વેલન્સ અને ટ્રાફિક શાખાની સંયુક્ત કામગીરીમાં ડાર્ક ફિલ્મ વાળી કાર ઝડપાઈ, દંડ ફટકારી સ્થળ પર જ ફિલ્મ દૂર કરાવાઈ

જિલ્લા પોલીસ વડા ડૉ. રવી મોહન સૈની, ડીવાયએસપી વી.કે. પંડ્યા અને ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી કાળા કાચ લગાવી ફરતા વાહનચાલકો સામે વિશેષ ડ્રાઇવ યોજી કાયદેસરની કાર્યવાહી શરૂ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગર શહેર અને જિલ્લામાં કાળા કાચ અથવા ડાર્ક ફિલ્મ લગાવીને ફરતા વાહનો સામે કાયદાનો શિકંજો કસવા માટે પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવી મોહન સૈની, પોલીસ હેડક્વાર્ટર્સના ડીવાયએસપી વી.કે. પંડ્યા તથા સિટી ડિવિઝન ડીવાયએસપી જે.એન. ઝાલા દ્વારા મળેલી સ્પષ્ટ સૂચનાઓના આધારે પોલીસ વિભાગની સીસીટીવી સર્વેલન્સ ટીમ (નેત્રમ) અને ટ્રાફિક શાખાને કાળા કાચવાળા વાહનો સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે આદેશો આપવામાં આવ્યા હતા.

 

આ સૂચનાના અનુસંધાને જામનગરના વિવિધ મુખ્ય ધોરીમાર્ગો અને જાહેર રસ્તાઓ પરથી પસાર થતાં અલગ-અલગ વાહનો પર નેત્રમ સીસીટીવી કેમેરા મારફતે ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારના કાચ પર નિયમ વિરુદ્ધ ડાર્ક ફિલ્મ લગાવેલી હોવાનું સીસીટીવી સર્વેલન્સ ટીમના ધ્યાન પર આવ્યું હતું. કંટ્રોલ રૂમ દ્વારા તરત જ તપાસ કરતા કારનો નોંધણી નંબર જી.જે.-૧૦-ડી.આર.-૨૧૪૧ હોવાનું ઓળખાઈ આવ્યું હતું.

 

કાર નંબર સ્પષ્ટ થયા બાદ પોલીસે પોતાની આધુનિક વિવિધ એપ્લિકેશનો અને સર્વેલન્સ સિસ્ટમની મદદથી કારના ચાલક તેમજ તેના મૂળ માલિકની તમામ વિગતો શોધી કાઢી હતી. ત્યારબાદ વાહનચાલકને તુરંત જ બોલાવી લેવામાં આવ્યા હતા. પોલીસે નિયમભંગ બદલ કારના કાચ પર લગાવવામાં આવેલી કાળી ડાર્ક ફિલ્મ સ્થળ પર જ તાત્કાલિક દૂર કરાવી હતી અને વાહનચાલક સામે મોટર વાહન કાયદા મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ સમગ્ર સંયુક્ત કાર્યવાહી સીસીટીવી સર્વેલન્સ (નેત્રમ) ટીમના પીએસઆઈ બી.બી. સિંગલ અને તેમની ટીમ તથા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. વી. ચૌધરી તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. હાલ જામનગર શહેર અને જિલ્લાના તમામ વિસ્તારોમાં કાળા કાચ લગાવીને ફરતા વાહનોને શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી છે. સીસીટીવી કેમેરાની મદદથી આવા નિયમભંગ કરતા વાહનોની તુરંત ઓળખ કરી તેમને સ્થળ પર જ અથવા નજીકના પોલીસ સ્ટેશને બોલાવીને દંડ સહિતની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(5:48 PM IST)