તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
કચ્છના અબડાસામાં ૨ મહિનાથી મેઘરાજા રૂઠ્યા: ગંભીર દુષ્કાળના એંધાણ વચ્ચે અછતગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્યની મુખ્યમંત્રીને હાકલ
અબડાસા, લખપત અને નખત્રાણામાં પાક નિષ્ફળ જવાની ભીતિ અને ઘાસચારાની ભારે તંગી; પશુધનને બચાવવા તાત્કાલિક 'કેટલ કેમ્પ' શરૂ કરવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો રજૂઆત પત્ર

અબડાસા-કચ્છ: ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના અતિ પછાત અને ભૌગોલિક રીતે સંવેદનશીલ એવા અબડાસા વિધાનસભા વિસ્તારમાં ચાલુ ચોમાસે કુદરતનો કોપ વરસ્યો છે. છેલ્લા ૨ મહિનાથી પૂરતો વરસાદ ન પડવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર જળસંકટ અને દુષ્કાળ જેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતાં ખેતી અને પશુપાલન પર નભતા સ્થાનિક લોકો તથા ખેડૂતો ભારે વિમાસણમાં મુકાઈ ગયા છે.
આ કટોકટીપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સંજયસિંહ મહીડાને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. તેમણે સરહદી વિસ્તારના આ ત્રણેય તાલુકાઓમાં ત્વરિત રાહત પગલાં ભરવા રજૂઆત કરી છે.
ઊભો પાક બળીને ખાખ થવાની આશંકા
ધારાસભ્ય જાડેજાએ પત્રમાં આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ચોમાસાની સિઝનના બે મહિના વીતી ગયા હોવા છતાં અબડાસા વિસ્તારમાં વાવણી યોગ્ય કે પૂરતો વરસાદ થયો નથી. ખેડૂતોએ અગાઉ મોંઘા બિયારણો વાવીને જે પાક ઉગાડ્યો હતો, તે હવે પાણી વગર સુકાઈ રહ્યો છે અને સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
સીમમાં પાણી-ઘાસચારો ખૂટતાં પશુધન સંકટમાં
અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન છે. વરસાદના અભાવે ગામડાઓની સીમમાં કુદરતી ઘાસચારો સંપૂર્ણપણે સુકાઈ ગયો છે અને પીવાના પાણીના સ્રોત ખાલી થઈ ગયા છે. પશુપાલકો માટે પોતાના દૂધાળા પશુઓને જીવતા રાખવા મુશ્કેલ બની રહ્યા છે. જો આગામી દિવસોમાં સરકારી સહાય નહીં મળે તો પશુધન હોમાઈ જવાની દહેશત છે.
ધારાસભ્યની સરકાર સમક્ષ મુખ્ય ૩ માંગણીઓ:
- તાત્કાલિક સરકારી સર્વે: અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં વરસાદી અછતનો તાત્કાલિક ધોરણે સરકારી સર્વે કરાવવામાં આવે.
- અછતગ્રસ્ત વિસ્તારની જાહેરાત: સર્વેના રિપોર્ટ આધારે આ ત્રણેય તાલુકાઓને તાત્કાલિક ધોરણે 'અછતગ્રસ્ત' જાહેર કરીને રાહત કાર્યો શરૂ કરાય.
- ઢોર કેમ્પ (Cattle Camps): પશુપાલકોના પશુઓને બચાવવા માટે તાત્કાલિક અસરથી સરકારી રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવે અને જગ્યાએ જગ્યાએ કેટલ કેમ્પ શરૂ કરવામાં આવે.
ધારાસભ્યએ ઉમેર્યું હતું કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો સરહદી વિસ્તારના લોકો સ્થળાંતર કરવા મજબૂર બનશે, તેથી સરકારે આ બાબતને અતિ ગંભીરતાથી લઈ તુરંત આદેશો છૂટા કરવા જોઈએ.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
