<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ગાંધીધામમાં ૮૦૪ કરોડનું મહાકૌભાંડ : વિદેશમાં રૂપિયા ટ્રાન્સફર કરવા સી.એ. દ્વારા બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કરાતા ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ૪ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત ૯ સામે નોંધાવાતી પોલીસ ફરિયાદ

આવકવેરા વિભાગની તપાસમાં ખુલેલું મોટું કાવતરું : બોગસ ફોર્મ ૧૫સીબી બનાવી સરકાર સાથે કરોડોની છેતરપિંડી આચરનાર સી.એ., વચેટિયાઓ અને કૌભાંડીઓ સામે BNS ની કલમો હેઠળ ગુનો દાખલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવકવેરા વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય અને દેશને હચમચાવી નાખનાર અંદાજે ૮૦૪.૩૦ કરોડ રૂપિયાના આર્થિક કૌભાંડ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવકવેરા વિભાગના ઇન્સ્પેક્ટર નિખિલ શાંતીલાલ પાટીદારની ફરિયાદના આધારે ગાંધીધામના ૪ નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) અને ૫ વચેટિયાઓ સહિત કુલ ૯ આરોપીઓ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પ્રકરણની વિગતવાર માહિતી મુજબ, તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ અમદાવાદ આવકવેરા વિભાગની તપાસ શાખા દ્વારા ગાંધીધામ ખાતે આવકવેરા અધિનિયમ-૨૦૨૫ ની કલમ ૨૪૭ તથા ૨૫૩ હેઠળ વિવિધ સી.એ. પેઢીઓ પર સર્ચ અને સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, સંડોવાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા ભારત બહાર નાણાં મોકલવા માટે જરૂરી કાયદાકીય ચકાસણી કર્યા વિના જ ખોટા અને બોગસ પ્રમાણપત્રો (આવકવેરા નિયમો, ૧૯૬૨ હેઠળનું ફોર્મ ૧૫સીબી) ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આરોપી સી.એ. દ્વારા નાણાં મોકલનાર સંસ્થાઓના કોઈ હિસાબી ચોપડા, કરાર કે દસ્તાવેજો તપાસ્યા વિના માત્ર વચેટિયાઓના ઈશારે બોગસ પ્રમાણપત્રો બનાવી આપવામાં આવ્યા હતા.

તપાસમાં સંડોવાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને તેમની પેઢીઓમાં પુનીલકુમાર અતુલકુમાર દાંડ (મેસર્સ પુનીલકુમાર દાંડ એન્ડ એસોસિએટ્સ, કોર્પોરેટ પાર્ક, સેક્ટર-૮, ગાંધીધામ), નિખિલ અવધેશ મિશ્રા (ગુરુકુલ સિટી સેન્ટર, વોર્ડ-૭, ગાંધીધામ), રાહુલ સાધુ (મેસર્સ રાહુલ સાધુ એન્ડ એસોસિએટ્સ, નિલેશ પાર્ક, સેક્ટર-૮, ગાંધીધામ) તેમજ કરણ અગ્રવાલ (મેસર્સ કરણ પી. અગ્રવાલ એન્ડ એસોસિએટ્સ, આદિનાથ આર્કેડ-૨, પોલિસ સ્ટેશન રોડ, ગાંધીધામ) ના નામો સામે આવ્યા છે. તપાસ દરમિયાન સી.એ. દ્વારા ખુલાસો કરાયો હતો કે તેઓ વાસ્તવિક ડિરેક્ટરોને બદલે ગેરકાયદેસર રોકડ નાણાં કમાવાના ઈરાદે વચેટિયાઓ મારફતે આ બોગસ પ્રમાણપત્રો આપતા હતા.

આ મહાકૌભાંડમાં મદદગારી કરનાર વચેટિયાઓ અને અન્ય ઇસમો તરીકે રવિન્દ્ર શિશુપાલ કેલા (રહે. શક્તિનગર, ગાંધીધામ), પ્રવિણ જૈન, શૈલેન્દ્ર શેહરાવત ઉર્ફે સાહીલ ભાઇ, આલોક મિતલ તેમજ અજયકુમાર અખાનીની સંડોવણી બહાર આવી છે. આ સમગ્ર કૌભાંડ અંગે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની વિવિધ કલમો ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૬૧(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં સંડોવાયેલા બેંક કર્મચારીઓ, કંપનીઓના અસલી ડિરેક્ટરો અને અન્ય વચેટિયાઓની ધરપકડ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

(6:08 PM IST)