<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ખેડૂત આંદોલન રંગ લાવ્યું: હળવદના કોયબા-રાણેકપરમાં ૧ વીઘા જમીનનો ભાવ પાંચગણો વધીને રૂ. ૭૨.૮૧ લાખને પાર!

માર્કેટ રેટ કમિટીની બેઠકમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેનો મહત્વનો નિર્ણય; પારદર્શક પદ્ધતિથી વેલ્યુએશન કરી ટ્રાન્સમિશન કંપનીઓને ૭ દિવસમાં વળતર ચૂકવવા આદેશ.

મોરબી: મોરબી જિલ્લામાં ખેડૂતોના વિરોધ અને આંદોલન બાદ વહીવટી તંત્ર દ્વારા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી માર્કેટ રેટ કમિટીની બેઠકમાં હળવદ તાલુકાના કોયબા અને રાણેકપર ગામના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના માર્કેટ રેટ અગાઉના ભાવ કરતાં પાંચગણાથી પણ વધુ નક્કી કરવામાં આવ્યા છે. હવે ખેડૂતોને પ્રતિ વીઘા રૂ. ૭૨.૮૧ લાખ મુજબ જમીનનું વળતર મળશે.

 

આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, વિવિધ ટ્રાન્સમિશન કંપનીઓના અધિકારીઓ, જમીન મૂલ્યાંકનકારો અને ખેડૂતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારના તા. ૦૪/૦૭/૨૦૨૬ના ઠરાવની જોગવાઈઓ મુજબ પારદર્શક ચિઠ્ઠી પદ્ધતિથી બંધ કવરો ખોલીને બે મૂલ્યાંકનકારોના ભાવોની સરેરાશના આધારે આ નવો માર્કેટ રેટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

 

અગાઉ રૂ. ૧૩.૪૬ લાખનો ભાવ હતો, જે વધીને રૂ. ૭૨.૮૧ લાખ થયો

 

તમામ સર્વે નંબરોનું નવી ટેકનિક અને નિયમો મુજબ વેલ્યુએશન કરવામાં આવતા રાણેકપર અને કોયબા ગામની જમીનનો જૂનો ભાવ જે પ્રતિ વીઘા રૂ. ૧૩.૪૬ લાખ હતો, તેને માર્કેટ રેટ કમિટીની જોગવાઈ મુજબ બમણો કરતાં હવે આશરે રૂ. ૭૨.૮૧ લાખ પ્રતિ વીઘા નક્કી થયો છે. કલેક્ટરે તમામ સંબંધિત ટ્રાન્સમિશન કંપનીઓને આદેશ કર્યો છે કે અસરગ્રસ્ત ખેડૂતોને ૧૦૦ ટકા વળતરની રકમ આગામી ૭ દિવસની અંદર ચૂકવી દેવામાં આવે.

 

જમીન મૂલ્યાંકન અને વળતરની મુખ્ય વિગતો:


 

  • જૂનો ભાવ: રૂ. ૧૩.૪૬ લાખ પ્રતિ વીઘા

 

  • નવો નિર્ધારિત ભાવ: રૂ. ૭૨.૮૧ લાખ પ્રતિ વીઘા (૫ ગણાથી વધુનો વધારો)

 

  • અસરગ્રસ્ત વિસ્તારો: હળવદ તાલુકાના કોયબા અને રાણેકપર ગામ

 

  • ચુકવણીની મુદત: ટ્રાન્સમિશન કંપનીઓને ૭ દિવસમાં ૧૦૦% વળતર ચૂકવવાનો કડક આદેશ

 

(9:24 PM IST)