તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 23rd August 2026
ભાવનગર જિલ્લાના તળાજાના મથાવડા ગામે તળાવમાં નાહવા પડેલા ૪ યુવકો ડૂબ્યા: ૨ ને બચાવી લેવાયા : ૨ ના કરૂણ મોત
નાહતી વખતે અચાનક પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતાં ચારેય યુવકો એક પછી એક ડૂબવા લાગ્યા અને બૂમાબૂમ કરી મૂકતા બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતાં જ મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા. ૨૩ : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા મથાવાડા ગામે આજે એક અત્યંત દુઃખદ બનાવ બનવા પામ્યો છે.. ગામના તળાવમાં નાહવા પડેલા ચાર યુવકો પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોની ત્વરિત મદદથી બે યુવકોને સક્ષમ રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ અન્ય બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે.
મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના મથાવાડા ગામના સીમ વિસ્તારમાં આવેલા તળાવ કિનારે ચાર યુવકો નાહવા માટે ગયા હતા. નાહતી વખતે અચાનક પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતાં ચારેય યુવકો એકપછી એક ડૂબવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતાં જ મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરણહારોએ તાત્કાલિક તળાવમાં ઝંપલાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિકોએ ભારે જહમત બાદ બે યુવકોને સક્ષમ રીતે પાણીમાંથી બહાર કાઢી લીધા હતા, જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, અન્ય બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમને શોધવા મુશ્કેલ બન્યા હતા. કલાકોની મુશ્કેલ શોધખોળ બાદ બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા દુર્ભાગી યુવકોમાં તુષાર ગંભીરભાઈ (ઉંમર વર્ષ ૧૮) અને મિલન ગોવિંદભાઈ (ઉંમર વર્ષ ૨૨) નો સમાવેશ થાય છે. આ કરૂણ ઘટનાના વાયુવેગે સમાચાર પ્રસરતાં જ સમગ્ર મથાવાડા ગામમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. ઘટના અંગે તળાજા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહી તથા મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
