News of Sunday, 23rd August 2026
ભાવનગર લઠ્ઠાકાંડની તપાસમાં હવે ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો તેજ: મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે પંચનામું
તપાસ એજન્સીએ આરોપીઓને સ્થળ પર લઈ જઈ કેટલીક મહત્વની વિગતો ચકાસી:જે સામગ્રી હાથ લાગી છે અને જે પ્રક્રિયાનું રિકન્સ્ટ્રક્શન થયું

ભાવનગરમાં ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કેસની તપાસ દરમિયાન મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે પંચરોજની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન નકલી દારૂ કેવી રીતે તૈયાર કરવામાં આવતો હતો તેની સમગ્ર પ્રક્રિયાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. SMCની ટીમે વરતેજ ખાતે ગૌતમ સોલંકી સહિત ચાર આરોપીઓને સાથે રાખીને ઘટનાક્રમનું રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલી માહિતી અને સ્થળ પર કરવામાં આવેલી કાર્યવાહી વચ્ચે સામ્યતા ચકાસવામાં આવી હતી.
તપાસમાં ગૌતમ સોલંકીના ઘરે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હોવાની માહિતી સામે આવી છે. SMC દ્વારા સ્થળ પરથી નકલી દારૂ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાતું સાહિત્ય અને વિવિધ મટીરીયલ પણ કબજે કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ગૌતમ સોલંકી સહિત ચાર આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. નકલી દારૂના ઉત્પાદનથી લઈને તેને આગળ પહોંચાડવા સુધીની સમગ્ર કડી અંગે તપાસ એજન્સી દ્વારા માહિતી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
SMCની ટીમે પંચરોજની કાર્યવાહી દરમિયાન સ્થળની વિગતો નોંધવા સાથે તપાસ માટે જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. હવે કબજે કરાયેલા મટીરીયલ અને આરોપીઓની પૂછપરછમાંથી મળતી માહિતીના આધારે કેસની તપાસ આગળ વધશે.લઠ્ઠાકાંડની ગંભીરતાને જોતા નકલી દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ થઈ શકે છે. હાલ SMCની કાર્યવાહી દરમિયાન સામે આવેલા ખુલાસાઓના આધારે સમગ્ર મામલાની વધુ તપાસ ચાલી રહી છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
