News of Monday, 24th August 2026
ખોટું બોલવાનું બંધ કરો અને અમારે પૈસા નથી જોતા, તમારા થાંભલા લઈ જાવ પાછાઃ મંત્રીના નિવેદન સામે તેમના ભાઈનો સણસણતો જવાબ
ખેડૂતોને એક થાંભલાના ૭૦-૮૦ લાખ આપવાની વાત અફવા હોવાનો દાવોઃ ખેડૂતોને થતા નુકસાન અંગે કારૂભાઈએ સરકાર અને તંત્રને આડે હાથ લીધા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૪: રાજ્યના મંત્રી કાંતિભાઈ અમળતિયાએ ખેડૂતોને વીજલાઈનના થાંભલા નાખવા બદલ ૭૦ લાખ રૂપિયાના વળતર અંગે કરવામાં આવેલા નિવેદનનો હવે મંત્રીના જ સગા ભાઈ રાકેશભાઈ ( કારૂકાકા) એ સણસણતો જવાબ આપ્યો છે. એક વીડિયોમાં કારુભાઈએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને એક થાંભલાના ૭૦ લાખ મળ્યા નથી અને તેઓ કોઈપણ ભોગે પોતાના ખેતરોમાં થાંભલા નાખવા દેશે નહીં.
કારુભાઈએ જણાવ્યું કે, મંત્રી અને કલેક્ટર ખેડૂતોને ૭૦ થી ૮૦ લાખ રૂપિયા આપવાની જે વાતો કરે છે તે જમીની હકીકત નથી. કોઈને આ રકમ મળી હોય તેવું લાગતું નથી. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે, ‘‘અમારે ૭૦ કે ૮૦ લાખ નથી જોતા, અમારે બજાર કિંમતના ૪ ગણા જોઈએ છે. જો તમારે દેવા હોય તો દઈ જાવ, નહિતર તમારા થાંભલા બીજા રાજ્યમાં લઈ જાવ. અમારા ખેતીની શું કામ પથારી ફેરવો છો?''
તેમણે પોતાની ૨૫ વીઘા અને અન્ય ખેડૂતોની ૫૦ વીઘા જમીનનો દાખલો આપતા કહ્યું કે, ખેતરમાં થાંભલા અને તાર આવવાથી ખેડૂતોને કાયમી નુકસાન જાય છે. ખેતરમાં તાર આવે તો તે ખેતર કોઈ ખરીદતું પણ નથી. એક થાંભલા માટે ૪ કરોડ રૂપિયા આપે તો પણ ખેડૂતને નુકસાની જ છે.
કારુભાઈએ આક્ષેપ કર્યો કે અગાઉ કોઈ પણ ખેડૂતને પૂછયા વિના કે પૈસા આપ્યા વગર જ ખેતરોમાં થાંભલા નાખી દેવામાં આવ્યા છે. તેમણે ખોટું બોલવાનું બંધ કરી ખેડૂતોને ગેરમાર્ગે ન દોરવા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. તેમણે તંત્રને ચીમકી આપતા કહ્યું કે, ‘‘અમે અમારા ખેતરમાં લાઈન કે થાંભલા નાખવા દેશું નહીં. તમારે જ્યાં થાંભલા નાખવા હોય ત્યાં નાખો, પણ અમારા ખેતરમાં નહિ.''
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
