તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 24th August 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે લીધો લાં...બો વિરામઃ ચોમાસા વચ્ચે ઉનાળા જેવો માહોલ
અનેક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની તાતી જરૂરિયાત, ખેડૂતો ચિંતામાં: હવામાન વિભાગની નજર સક્રિય સિસ્ટમ્સ પર

રાજકોટ, તા.૨૪: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ ચોમાસુ ન હોય તેવો માહોલ સર્જાયો છે. શ્રાવણ મહિનો અડધો વીતી ગયો હોવા છતાં વરસાદનો વિરામ યથાવત રહેતા લોકોમાં ચિંતા પ્રસરી છે. ઘણા વિસ્તારોમાં તો હજુ પણ સારા વરસાદની ખૂબ જ જરૂર છે.
છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ જાણે રિસામણા લીધા હોય તેમ એક પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો નથી. સવારથી જ આકાશ ચોખ્ખું રહે છે અને બપોરે આકરો તડકો અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે ચોમાસાની ઋતુમાં પણ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો ખેતી પ્રધાન છે અને હાલ મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોને પાણીની તાતી જરૂર છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક ડેમોમાં પણ હજુ જોઈએ તેટલું નવું પાણી આવ્યું નથી.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ્સ સક્રિય ન હોવાને કારણે વરસાદનો વિરામ લંબાયો છે. જો કે, આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ્સ સક્રિય થવાની શકયતા છે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી શકે છે. હાલ તો લોકો અને ખેડૂતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી માળેલ વિગત જોઈએ તો મહતમ તાપમાન ૩૨.૫ લઘુતમ ૨૬, ભેજ ૮ ટકા, પવનની ઝડપ ૯.૪ કિ.મી. રહી હતી. વાંસજાળીયામાં ૨ મી.મી. વરસાદ પડયો હતો.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
