<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

કાલાવડના હરીપરમાં ૭૧૫૦ લીટર ભેળસેળયુકત દૂધ ઝડપાયા બાદ તપાસનો ધમધમાટ

જામનગર જીલ્લાના હરીપર ગામે ૬ ધંધાર્થીઓના ઘર અને ડેરીઓ પર દરોડા, ૧૨૦ કિલો વનસ્‍પતિ ઘી અને ૧૫ કિલો દૂધ બનાવવાનો પાવડર કબ્‍જે કરી ફૂડ સેફટી વિભાગે નાશ કર્યો

(મુકુંદ બદિયાણી- સંજય ડાંગર દ્વારા) જામનગર ધ્રોલ તા.૨૪: લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ સામે રાજકોટ રેન્‍જ પોલીસે લાલ આંખ કરી છે. જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના હરીપર ગામેથી શંકાસ્‍પદ ભેળસેળ યુક્‍ત દૂધ બનાવતા ૬ ઇસમોના ઘર તથા દૂધની ડેરી ઉપર રેઇડ કરી શંકાસ્‍પદ ભેળસેળ યુક્‍ત દૂધ લીટર ૭૧૫૦, વનસ્‍પતી ઘી ૧૨૦ કીલો તથા દૂધ બનાવવાનો પાવડર ૧૫ કીલો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્‍જ હસ્‍તકના જિલ્લાઓમાં અમુક ધંધાર્થીઓ દ્વારા પોતાના આર્થિક ફાયદા સારું લોકોના સ્‍વાસ્‍થ્‍યને નુકશાન થાય તેવી રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્‍તુઓની બનાવટમાં ભેળસેળ કરી વેચાણ કરતા ધંધાર્થીઓને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્‍વયે રાજકોટ રેન્‍જના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્‍જના પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા આવા ધંધાર્થીઓને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરૂરી માહિતી મેળવી તેનું ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.

હરીપર ગામે રહેતા શંકાસ્‍પદ દૂધના ધંધાર્થીઓ  (૧) મેરૂ વીરાભાઇ બાવનભાઇ ભારાઇ રહે. રબારીપાળો ગામ-હરીપર તા. કાલાવડ (૨) અરજણ હમીરભાઇ ઉકાભાઇ હુણ રહે. ગામ-હરીપર તા. કાલાવડ (૩) બધા બાવનભાઇ રામભાઇ ચાવડા રહે. ગામ-હરીપર તા. કાલાવડ (૪) મેરૂ  બધાભાઇ કરશનભાઇ વંશ રહે. રબારીપાળો ગામ-હરીપર તા. કાલાવડ (૫) રાણા બટુકભાઇ નાથાભાઇ ભારાઇ રહે. રબારીપાળો ગામ-હરીપર તા. કાલાવડ (૬) બોધા નાથાભાઇ માયાભાઇ વંશ રહે. રબારીપાળો ગામ-હરીપર તા. કાલાવડ નાઓના ઘરે રેઇડ કરી રહેણાંક મકાન તથા પાસે આવેલ અલગ-અલગ ડેરીઓમાંથી શંકાસ્‍પદ ભેળસેળ યુક્‍ત દૂધ બનાવવાનું ચાલુ હોય શંકાસ્‍પદ દૂધ ભેગુ કરી કુલ જથ્‍થો દૂધ આશરે લીટર ૭૧૫૦, વનસ્‍પતિ ઘી ૧૨૦ કીલો તથા દૂધ બનાવવાનો પાવડર ૧૫ કીલો મળી આવતા ફુડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલીફોનીક જાણ કરી સ્‍થળ પર બોલાવતા ફુડ સેફટી ઓફીસર (એફ.એસ.ઓ.) દ્વારા શંકાસ્‍પદ દૂધના જરૂરી સેમ્‍પલો લઇ તેઓની કચેરીનું સીલ કરી કબ્‍જે કરેલ અને મળી આવેલ શંકાસ્‍પદ ભેળસેળ યુક્‍ત બનાવટી દૂધ તથા વેજીટેબલ ઘી તથા દૂધ બનાવવાનો પાવડર માનવ સ્‍વાસ્‍થ્‍ય તથા પર્યાવરણને નુકશાન ન થાય તેવી જગ્‍યાએ ફુડ સેફટી ઓફીસર દ્વારા નાશ કરવામાં આવેલ છે તેમજ દૂધના ધંધાર્થીઓ વિરુદ્ધ ફુડ સેફટી ઓફીસર દ્વારા આગળની કાયદેસરની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:39 AM IST)