<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

શિવભકિતના રંગે રંગાયું સોમનાથઃ શ્રાવણના બીજા સોમવારે હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા

વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભકતોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શિવભકતોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહ વચ્ચે, શ્રી સોમનાથ ટ્રસ્ટની પ્રાચીન અને ભવ્ય પ્રણાલિકા અનુસાર આજે સોમનાથ મહાદેવની વિશેષ પાલખી યાત્રાનું ભકિતભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય અવસરે, શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૃપ શિવલિંગને ફૂલોથી સુશોભિત પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ દ્વારા સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજન બાદ પરંપરાગત રીતે પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઢોલ, શરણાઈ અને ડમરુંના મંગળ ધ્વનિ તથા ''હર હર મહાદેવ'' અને ''જય સોમનાથ''ના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ ભવ્ય પાલખી યાત્રામાં અદભુત શિવભકિતનો નજારો જોવા મળ્યો હતો. યાત્રાના દર્શન માત્રથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. (તસ્વીર- અહેવાલઃ દિપક કક્કડ- વેરાવળ)

(12:40 PM IST)