<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ખંભાળિયામાં રેલવે તંત્રની બેદરકારીનો ભોગ બન્યા મુસાફરો : એક નંબરના ટ્રેક પર બે દિવસથી માલગાડીના બે વેગન ફસાયેલા હાલતમાં : પેસેન્જર ટ્રેનોને 2 નંબરના પ્લેટફોર્મ પર લેવાની ફરજ પડતા ભારે હાલાકી

રાજકોટથી રેલવે તંત્રની રીપેરીંગ ટીમ બોલાવ્યા છતાં કામગીરી ન થતા રોષ : એક સાથે બે ટ્રેનોના સંચાલનમાં અવરોધ - બીજી ટ્રેનને આગલા સ્ટેશને રોકવી પડી : તાત્કાલિક વેગનોને હટાવીને એક નંબરનો ટ્રેક કાર્યરત કરવા માગણી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૪ : ખંભાળિયા રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જેનો સીધો ભોગ સામાન્ય મુસાફરો બની રહ્યા છે. સ્ટેશનના એક નંબરના ટ્રેક પર ગઈકાલથી માલગાડીના બે વેગન ટેકનિકલ ખામીના કારણે ફસાઈ ગયા છે અને ત્યારથી ત્યાં જ પડ્યા રહેતા તમામ પેસેન્જર ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ એક નંબરના ટ્રેક પર માલગાડીના ડબ્બા ફસાઈ જવાને કારણે રેલવે તંત્રને ફરજિયાતપણે તમામ પેસેન્જર ટ્રેનોને બે નંબરના ટ્રેક પર લાવવી પડી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને સામાન સાથે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર દોડાદોડી કરવી પડી રહી છે.

 

ખંભાળિયા સ્ટેશન પર એક સાથે બે ટ્રેનો આવી શકે તેવી વ્યવસ્થા હોવા છતાં, એક નંબરના ટ્રેક પર લાંબા સમયથી પડેલી માલગાડીના ડબ્બાને કારણે આ વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. જ્યારે એક ટ્રેન બે નંબર પર હોય ત્યારે બીજી આવનારી ટ્રેનને ફરજિયાત આગલા સ્ટેશને રોકી રાખવાની ફરજ રેલવે તંત્રને પડી રહી છે, જેના કારણે ટ્રેનો મોડી પડી રહી છે અને મુસાફરોના કિંમતી સમયનો બગાડ થઈ રહ્યો છે.

 

આશ્ચર્યની વાત એ છે કે આ ખામીને દૂર કરવા માટે રાજકોટથી રીપેરીંગ ટીમને બોલાવવામાં આવી હોવા છતાં બે દિવસ વીતી ગયા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. બે દિવસથી લોકોને ફરજિયાત એક નંબરના બદલે બે નંબરના ટ્રેક પર જવું પડતું હોવાથી મુસાફરોમાં રેલવે તંત્ર સામે ભારે રોષની લાગણી ફેલાઈ છે.

 

મુસાફરોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ વેગનોને હટાવીને એક નંબરનો ટ્રેક કાર્યરત કરવામાં આવે જેથી તેમની હાલાકીનો અંત આવે.

(1:31 PM IST)