<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ભાવનગર લઠ્ઠાકાંડઃ કેમિકલ સપ્‍લાયર આનંદ છાડા મધ્‍યપ્રદેશથી ઝડપાયો

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસનો મોટો સપાટોઃ અગાઉ ૧૪ આરોપી બાદ વધુ ૧૩ ઝડપાયા - કુલ આરોપીઓનો આંકડો ૨૭ પર પહોંચ્‍યોઃ નકલી દારૂ બનાવી વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરવા SIT ની તપાસ તેજઃ અન્‍ય મોટા બુટલેગરો સુધી તવાઈ પહોંચે તેવી શકયતા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪: ભાવનગરના ચકચારી નકલી દારૂ-લઠ્ઠાકાંડમાં કેમિકલ સપ્‍લાય કરનાર મુખ્‍ય આરોપી આનંદ છાડાને મધ્‍યપ્રદેશના રાજગઢથી સ્‍ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી લીધો છે.

ભાવનગર પંથકને હચમચાવી નાખનાર નકલી દારૂ અને લઠ્ઠાકાંડ પ્રકરણમાં પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં અગાઉ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્‍યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરીને વધુ ૧૩ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં કુલ આરોપીઓની સંખ્‍યા ૨૭ પર પહોંચી ગઈ છે.

ભાવનગર જિલ્લામાં નકલી દારૂ પીવાથી અનેક લોકોના મોત અને અનેક લોકોની તબિયત લથડવાના બનાવો સામે આવ્‍યા હતા. આ ઝેરી દારૂ મિથેનોલ યુક્‍ત હોવાનું તપાસમાં બહાર આવ્‍યું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્‍યમાં ચકચાર મચાવી હતી

આ કેસની ગંભીરતાને જોતા ઉચ્‍ચ અધિકારીઓની સૂચનાથી SIT ની રચના કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓના નેટવર્કને ખંગાળવાનું શરૂ કર્યું છે. કયાંથી કેમિકલ લાવવામાં આવ્‍યું, કયાં નકલી દારૂ બનાવવામાં આવ્‍યો અને કોણે કોણે વેચાણ કર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર પકડાયેલા ૨૭ આરોપીઓમાં મુખ્‍ય સપ્‍લાયર, કેમિકલ વેચનાર અને નાના વેચાણકારોનો સમાવેશ થાય છે. પોલીસ હવે આ કાંડના મુખ્‍ય સૂત્રધાર સુધી પહોંચવા માટે આરોપીઓના રિમાન્‍ડ મેળવીને વધુ પૂછપરછ કરી રહી છે. આ કેસમાં હજુ પણ વધુ ધરપકડો થવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

એસએમસીના ડીઆઇજી ગગનદીપ ગંભીર, એસપીમયુર ચાવડાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા તથા તમની ટીમ આગળની તપાસ કરી રહી છે.

(3:12 PM IST)