<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

પાલિતાણાના સરોડ ખાતે ભાવનગર જિલ્લા ભાજપના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ : અંત્યોદય માટે છેવાડાના માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની

પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે પ્રારંભિક સત્રમાં આપ્યું પ્રેરક ઉદ્બોધન : રાજેન્દ્ર વિદ્યાધામ ખાતે ૨૪થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાનારા ત્રણ દિવસીય વર્ગમાં જિલ્લા ભાજપના અગ્રણીઓ-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

પાલિતાણા: ભારતીય જનતા પક્ષ દ્વારા કાર્યકર્તાઓને પક્ષની વિવિધ જવાબદારીઓ, વર્તમાન સમયની સાંપ્રત સ્થિતિ અને ભાજપની ભૂમિકા સંદર્ભે ચિંતન સાથે પ્રશિક્ષિત કરવાના હેતુથી ભાવનગર જિલ્લા ભાજપનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં પાલિતાણા નજીક આવેલ સરોડ સ્થિત શ્રી રાજેન્દ્ર વિદ્યાધામ ખાતે ત્રણ દિવસીય 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ'નો ભવ્ય પ્રારંભ થયો છે.

 

આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામડાના છેવાડાના માનવી અને સમાજના દરેક વર્ગ માટે સક્રિયતા કેન્દ્રસ્થાને રહી છે. અંત્યોદયના સ્વપ્નને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ અને પક્ષની વિચારસરણી પહોંચાડવામાં ભાજપ કાર્યકર્તાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને ચાવીરૂપ છે.

 

કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ધવલભાઈ દવેએ કાર્યકર્તાઓ માટે વિકાસ, સંભાળ અને દાયિત્વ બોધ સંબંધી ચિંતન ઉદ્બોધન રજૂ કરીને ભાજપની વિચારસરણી અને કાર્યપદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત ભાજપ અગ્રણી ચીથરભાઈ પરમાર અને નાગજીભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને બે વિશેષ વક્તવ્યો યોજાયા હતા.

 

જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વર્ગના પ્રારંભે પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી, વાલી દિલીપભાઈ ભોજાણી સહિતના ઉપસ્થિત મહાનુભાવો અને અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સમગ્ર સત્રનું સફળ સંચાલન વિઠ્ઠલભાઈ સોરઠિયા (વી.ડી.) તથા જોરશંગભાઈ પરમારે સંભાળ્યું હતું.

 

સોમવાર તા. ૨૪ ઓગસ્ટથી બુધવાર તા. ૨૬ ઓગસ્ટ સુધી ચાલનારા આ પ્રશિક્ષણ વર્ગમાં ભાવનગર જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:58 PM IST)