<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ તપાસ હવે SMC દ્વારા ખાતાકીય તપાસનો ધમધમાટ

અલગ-અલગ ટીમો દ્વારા અનેક રાજ્યો અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તપાસનો વ્યાપ વધાર્યો:ભાવનગરમાં પોલીસ તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ માટે SMCની કુલ 15 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે અને 5થી વધુ રાજ્યોમાં તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના અન્ય જિલ્લાઓમાં તપાસ માટે 3 ટીમો મોકલવામાં આવી છે, જ્યારે ભાવનગરમાં જ SMCની 8 ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ ટીમો દ્વારા સમગ્ર કેસ સાથે સંકળાયેલા વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.SMCના વડા ગગનદીપ ગંભીર પણ ભાવનગર પહોંચ્યા હતા. અહીં SMCની ટીમે પોલીસ બેડામાં 6 કલાકથી વધુ સમય સુધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

તપાસ અંગે ગગનદીપ ગંભીરએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી હોવાથી હાલ કંઈ કહેવું યોગ્ય નથી. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ નવી વિગતો આપવામાં આવશે. SMCના વડા આવતીકાલે પણ ભાવનગરમાં રહી તપાસની કામગીરીની સમીક્ષા કરશે.બીજી તરફ, ભાવનગર લઠ્ઠાકાંડમાં આજે ઝડપાયેલા 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના આનંદ છાંડી સહિત 13 આરોપીઓને SMC દ્વારા રવાના કરવામાં આવ્યા છે.

તમામ આરોપીઓનું રૂટિન મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ 10 દિવસના રિમાન્ડ દરમિયાન SMC દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને કેસ સાથે જોડાયેલા વિવિધ સ્તરની કડીઓ તપાસવામાં આવશે.લઠ્ઠાકાંડ બાદ ચાલી રહેલી આ તપાસમાં આગામી દિવસોમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. ખાસ કરીને વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી તપાસ અને ભાવનગરમાં અધિકારીઓ-કર્મચારીઓની પૂછપરછને કારણે સમગ્ર મામલે તપાસનો વ્યાપ વધ્યો છે.

(11:40 PM IST)