હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરમાં ડુપ્લીકેટ દૂધ મુદ્દે માલધારીઓનો અનોખો વિરોધઃ દંડવત પ્રણામ કરીને રજીસ્ટર્ડ મંડળીની કચેરીએ પહોંચ્યા
૧૦ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ પશુઓ સાથે ધામા નાખવાની ચીમકીઃ સૂરસાગર ડેરીમાં ડુપ્લીકેટ દૂધ ભરવાનો અને BMC માં ગેરરીતિનો ગંભીર આક્ષેપ, ૫૦૦ પશુ હોય ત્યાં લાખો લીટર દૂધ બતાવાતું હોવાનો દાવો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૫: સફેદ દૂધના કાળા કારોબાર સામે સુરેન્દ્રનગર જિલ્લાના માલધારીઓ અને પશુપાલકોએ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં માલધારીઓ અનોખા અંદાજમાં દંડવત કરીને સુરેન્દ્રનગર રજીસ્ટર્ડ મંડળીની કચેરીએ પહોંચ્યા હતા અને ડુપ્લીકેટ દૂધનો વેપલો બંધ કરાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રજૂઆત કરવામાં આવી હતી.
માલધારીઓનો આક્ષેપ છે કે એક તરફ તેમને દૂધના પૂરતા ભાવ અને બોનસ આપવામાં આવતું નથી, ત્યારે બીજી તરફ દૂધ માફિયાઓ બેફામ બન્યા છે. સૂરસાગર ડેરીમાં પણ ડુપ્લીકેટ દૂધ ભરવામાં આવી રહ્યું છે.
વિરોધ કરી રહેલા માલધારીઓએ જણાવ્યું કે જિલ્લામાં આશરે ૧.૫૦ લાખ જેટલા દુધાળા પશુઓ છે, પરંતુ તેની સામે અનેક ગણું વધુ દૂધ ઉત્પાદન દર્શાવવામાં આવી રહ્યું છે. જ્યાં ગામમાં ૫૦૦ પશુઓ પણ નથી ત્યાં બે-બે BMC ની સ્થાપના કરી દેવામાં આવી છે અને ૫૦૦ પશુઓ જેટલું દૂધ આપે તેના કરતા ત્રણ ગણું દૂધ BMC માં બતાવવામાં આવી રહ્યું છે.
તેમજ ડેરીઓમાં ઓફલાઇન દૂધ લેવાય છે, ઓનલાઇન લેવાતું નથી, જેનાથી ખોટા દૂધની શંકા વધી છે. ઓરીજીનલ દૂધમાં કેમિકલ અને યુરિયા ખાતરમાંથી પણ નકલી દૂધ બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે.
માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે ૧૦ દિવસમાં ડુપ્લીકેટ દૂધનું ઉત્પાદન અને ડેરીઓમાં ચાલતી ગેરરીતિઓ બંધ નહીં કરવામાં આવે તો તેઓ પોતાના પશુઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં ધામા નાખીને ઉગ્ર આંદોલન કરશે.
સામે પક્ષે જિલ્લા રજીસ્ટરના અધિકારીએ માલધારીઓના છ જેટલા પ્રશ્નો સાંભળીને ૧૦ દિવસમાં પ્રત્યુત્તર આપવાની અને આ મામલે તપાસના આદેશ આપવાની ખાતરી આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
