હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી સહિતના તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી : ૯ મોટી હોટલ-ભોજનાલયોમાં સઘન ચકાસણી હાથ : ગંદકીમાં રાખેલો ૧૨૧ કિલો બગડેલો ખોરાકનો સ્થળ પર જ નાશ
સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન કરતી ૨ હોટલોને સુધારણા માટે નોટિસ આપવાની ભલામણ કરાઈ : એક ભોજનાલય માલિકે જાતે જ પોતાનું ભોજનાલય બંધ કરી દીધું : યાત્રાળુઓને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે તે માટે તંત્ર સતત કાર્યરત

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૨૫ : દેવભૂમિ દ્વારકામાં તહેવારોની મોસમ શરૂ થતા દ્વારકાધીશના દર્શન માટે દેશભરમાંથી લાખો ભાવિકો આવી રહ્યા છે, ત્યારે ભાવિકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા સઘન ખાદ્ય ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત દ્વારકા શહેરમાં આવેલી કુલ 09 હોટલ અને ભોજનાલયોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરતા 02 એકમો વિરુદ્ધ નિયત અધિકારી, દેવભૂમિ દ્વારકાને સુધારણા નોટિસ આપવા માટે ભલામણ કરવામાં આવી છે. જ્યારે 01 ભોજનાલય દ્વારા પોતાની મેળે જ ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું છે.
ચકાસણી દરમિયાન ગંદી અને અસ્વચ્છ પરિસ્થિતિમાં સંગ્રહ કરી રાખવામાં આવેલો કુલ 121 કિલોગ્રામ જેટલો ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો, જેનો તંત્ર દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલા ખાદ્ય પદાર્થોની કુલ અંદાજિત કિંમત રૂપિયા 8,120 જેટલી થાય છે.
આ સમગ્ર કામગીરીનો મુખ્ય હેતુ દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષિત, સ્વચ્છ અને સારી ગુણવત્તાવાળો ખોરાક મળી રહે અને ખાદ્ય સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
જાહેર આરોગ્યની સુરક્ષા અને લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી ચકાસણી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.(તસ્વીર : દિપેશ સામાણી-દ્વારકા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
