નયારા એનર્જીની શિક્ષણ ક્ષેત્રે મોટી પહેલ : જામનગર અને દેવભૂમિ દ્વારકાના 31 ગામોમાં 48 સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકીકરણ : 3000 થી વધુ બાળકોને મળશે લાભ
તુષ્ટિ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડીઓને બાળ-મૈત્રીપૂર્ણ અને રંગબેરંગી શૈક્ષણિક કેન્દ્રોમાં ફેરવાઈ, નયારા એનર્જીના કાર્યકારી અધ્યક્ષ પ્રસાદ પાનિકરના હસ્તે કજુરડા-વિજયનગર આંગણવાડીનું ઉદ્ઘાટન કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પ્રાથમિક શિક્ષણ અને ઉછેર માટે નયારા એનર્જી દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ તેના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 48 સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું આધુનિકીકરણ કર્યું છે.
તુષ્ટિ પ્રોજેક્ટ હેઠળ ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) અને લાલપુર (જામનગર) એમ બે બ્લોક હેઠળના 31 ગામોમાં આવેલી 48 આંગણવાડીઓને આધુનિક અને બાળ-મૈત્રીપૂર્ણ શૈક્ષણિક કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ પહેલથી 3 હજારથી વધુ બાળકોને સીધો લાભ મળશે.
આ 48 આંગણવાડીઓ પૈકી કજુરડા-વિજયનગરની આંગણવાડીનું ઉદ્ઘાટન નયારા એનર્જીના કાર્યકારી અધ્યક્ષ પ્રસાદ પાનિકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાડીનાર રિફાઇનરીના વડા અમર કુમાર, સરપંચ પુનરાજ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવા સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે સલામત, આકર્ષક અને રંગબેરંગી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. બાળકોને ભણતર રસપ્રદ લાગે તે માટે રમત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતી વિવિધ શૈક્ષણિક સામગ્રી અને સાધનો પણ ઉપલબ્ધ કરાવાયા છે.
આ પહેલ માત્ર બાંધકામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આધુનિક શૈક્ષણિક સામગ્રી, પોષણ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓમાં માર્ગદર્શન અને સમુદાયની સક્રિય ભાગીદારી દ્વારા બાળ વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
નયારા એનર્જી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપની હંમેશા સ્થાનિક સમુદાયોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે અને આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયો, મહિલાઓ અને બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
