<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

દડિયા ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

૧૦૦ થી વધુ ખેડૂતોને બાગાયતી સહાય યોજનાઓ, પ્રાકૃતિક ખેતીના આયામો અને મૂલ્યવર્ધન અંગે સઘન માર્ગદર્શન અપાયું

જામનગર:જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દડિયા ગામ ખાતે અનુસૂચિત જાતિના બાગાયત ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે બાગાયત ખાતા દ્વારા વિશેષ ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમના માધ્યમથી ખેડૂતોને સરકારની વિવિધ બાગાયતલક્ષી સહાય યોજનાઓ વિશે માહિતગાર કરવા સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દડિયા તેમજ આસપાસના વિસ્તારોમાંથી ૧૦૦ થી વધુ અનુસૂચિત જાતિના બાગાયત ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    કાર્યક્રમની શરૂઆતમાં બાગાયત અધિકારી વાય.એ. ડેર દ્વારા બાગાયતી પાકોના વાવેતર, કૃષિ યાંત્રીકરણ, રક્ષિત ખેતી, ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા નિર્માણ અને સોર્ટિંગ-ગ્રેડિંગ યુનિટ માટે મળતી સહાય અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે ખાસ કરીને અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની વિશેષ લક્ષિત યોજનાઓ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વૃદ્ધિ માટે બાગાયત ખેતી એક અત્યંત અસરકારક માર્ગ છે.
  ત્યારબાદ બાગાયત અધિકારી પી. એ. બારોટ દ્વારા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીન તથા માનવ સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો વિશે સમજણ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું.તેમણે ખેડૂતોને જૂથ બનાવી બજારલક્ષી બાગાયત અપનાવવા, મૂલ્યવર્ધન દ્વારા વધુ નફો મેળવવા તેમજ ખેડૂત ઉત્પાદક સંગઠન અને સ્વ-સહાય જૂથોના માધ્યમથી સંગઠિત થઈ ખેતી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના BTM ફળદુ દ્વારા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક ખાતરો તથા કીટનાશકો ઘરે જ તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નિષ્ણાત અધિકારીઓ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું

(6:28 PM IST)