<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

કચ્છના આદિપુરમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: બોર્ડર રેન્જ પોલીસનો સપાટો : જુઓ વિડિયો

૯ હજાર ખાલી બોટલ, ૬૦૦ ભરેલા ક્વાર્ટર અને ૬૦૦ લીટર કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : ભાવનગરની દારૂકાંડની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં કચ્છમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીધામના જોડિયા શહેર આદિપુરના 4-એ વિસ્તારમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડી નકલી ઈંગ્લિશ દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પીઆઈ એલ.પી. બોડાણાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી રોયલ ચેલેન્જ બ્રાન્ડની 180 એમએલની આશરે 9 હજાર ખાલી બોટલો, 600 જેટલા ભરેલા ક્વાર્ટર, બોટલ સીલ-પેક કરવાનું મશીન, સ્ટીકર તથા સીલિંગ મટિરીયલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેમિકલમાં પાણી ભેળવીને નકલી ઈંગ્લિશ દારૂ તૈયાર કરવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી વિવિધ કેરબામાં ભરેલું આશરે 600 લીટર કેમિકલ પણ જપ્ત કર્યું છે. કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હતો અને તે કેટલું જોખમી હતું તે જાણવા માટે FSLની ટીમને બોલાવવામાં આવી છે.
પોલીસ તપાસ મુજબ મૂળ રાપરના વતની હિતેશ પટેલે આદિપુરમાં દુકાન ભાડે રાખી હતી અને ઉત્તર પ્રદેશના વતની બ્રિજેશ નામના શખ્સ સાથે મળીને નકલી દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને અહીંથી કેટલો નકલી દારૂ બજારમાં પહોંચાડવામાં આવ્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમના પીઆઈ એલ.પી. બોડાણાએ જણાવ્યું હતું કે, સ્થળ પરથી મળેલા કેમિકલના સેમ્પલ FSLમાં મોકલવામાં આવશે. FSLના રિપોર્ટ બાદ નકલી દારૂ બનાવવામાં કયું કેમિકલ વપરાતું હતું તે સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર

(8:20 PM IST)