News of Wednesday, 26th August 2026
ટંકારાના મિતાણા બ્રિજ પાસે બાળકોને લઈ જતી સ્કૂલ બસ સળગીઃ મોટી દુર્ઘટના સહેજમાં ટળી
ડ્રાઇવરે બસમાં ધુમાડા જોઈ બ્રેક મારી બધા બાળકોને બહાર કાઢી લીધા : બસ સળગીને ખાખ થઈ ગઈ

ટંકારા તા.૨૬: મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે બપોરે એક મોટી દુર્ઘટના સામે આવી, જેમાં એક સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, ડાયવરની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીના કારણે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે.
મળતી માહિતી મુજબ, ટંકારાની આર્ય વિદ્યાલયની સ્કૂલ બસ મિતાણા ગામમાં પુલ નીચેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસમાં ડ્રાઈવરની સીટ પાસેના વાયરિગમાંથી અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પરતુ એ પહેલાં બસ ડાયવરે ઈમર્જન્સી બ્રેક મારી બાળકોને બસ બહાર કાઢવા આજુ બાજુ બુમ પાડી મદદ માગી હતી સદનસીબે, તે જ સમયે ૧૧૨ની પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર હતી. બસમાં આગ લાગતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે બારી તેમજ દરવાજા મારફતે તમામ બાળકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. બાળકોને સમયસર સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને વાલીઓ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.(જયેશ ભટાસણા. ભાવિન સેજપાલ.ટંકારા)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
