News of Wednesday, 26th August 2026
ધોરાજીમાં આજે સાંજે ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય શહેરી જુલુસ નીકળશે
મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈ મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ ラ શહેરભરમાં રોશનીનો ઝગમગાટ, ૨૦૦ જેટલી જગ્યાએ ચા-નાસ્તા તથા ઠંડા-ગરમ પીણાંનું આયોજન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૬: શહેરમાં આજે સાંજે ઈદે મિલાદુન્નબી નિમિત્તે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પયગંબર સાહેબના જન્મદિવસને લઈ સમગ્ર મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈદે મિલાદની ઉજવણીને લઈને ધોરાજી શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યારે દરગાહ, મસ્જિદો તથા વિવિધ ઈબાદતગાહોમાં પણ વિશેષ કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે.
ધોરાજીના મુફ્તી નવાઝ સાહેબ, યારે અલ્વી સૈયદ શકીલ બાપુ શિરાજી તથા શહેર ખતીબ હાફિઝ અવેશ સાહેબ યારે અલ્વીએ જણાવ્યું હતું કે, હઝરત મોહમ્મદ પયગંબર સાહેબે સમગ્ર માનવજાતને અમન, શાંતિ, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપ્યો છે. જરૂરિયાતમંદો અને દુઃખી લોકોની મદદ કરવી, સૌ સાથે પ્રેમ અને ભાઈચારાથી રહેવું તેમજ દેશ પ્રત્યે વફાદાર રહેવાની પ્રેરણા પયગંબર સાહેબના જીવન અને સંદેશમાંથી મળે છે.
પીર-એ-તરીકત સૈયદ હાજી કયુમ બાવા શિરાજી તથા સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરીએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરમાં વર્ષોથી તમામ તહેવારો હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવવામાં આવે છે. દરેક તહેવારમાં બંને સમાજનો પરસ્પર સાથ અને સહકાર જોવા મળે છે, જેના કારણે ધોરાજી શહેર કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક ગણાય છે.
ઈદે મિલાદની પૂર્વસંધ્યાએ ગઈકાલે રાત્રે ધોરાજી શહેરમાં આશરે ૨૦૦ જેટલી જગ્યાએ ચા-નાસ્તા તથા ઠંડા-ગરમ પીણાંના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે આ સેવા કરવામાં આવેલ.
ઈદે મિલાદના દિવસે આજ રોજ વહેલી સવારે ધોરાજી શહેરની વિવિધ મસ્જિદોમાં સવારે ૪ વાગ્યાથી દરૂદ શરીફનું પઠન કરવામાં આવેલ ત્યારબાદ પયગંબર સાહેબના જન્મદિવસના ખાસ સમયે સવારે ૫ વાગ્યે બાલ મુબારક શરીફના દીદાર કરાવવામાં આવેલ ત્યારબાદ સલાતો-સલામ તથા દુઆ-એ-ખૈર કરવામાં આવશે.
આ ઉપરાંત આજ રોજ બપોરે ૪ વાગ્યે બહારપુરા ખાતેથી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ભવ્ય શહેરી જુલુસ કાઢવામાં આવશે. જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. જુલુસ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમન, શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે આલિમે દિન દ્વારા સમાજના લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.
જુલુસ પૂર્ણ થયા બાદ મકા મસ્જિદ પાસે ભવ્ય સમૂહ નિયાઝનું પણ દર વર્ષની જેમ આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે.
ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈને ધોરાજી શહેરમાં ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ પણ ગુંજતો જોવા મળી રહ્યો છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
