News of Wednesday, 26th August 2026
ચોટીલા હાઈ-વે ઉપર ટેન્કરની ટાંકીમાંથી ૩૯.૯૫ લાખનો દારૂ જપ્ત
રાજસ્થાની ટ્રક ચાલક નરપત ભાદુની ધરપકડઃ અન્યની શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૬: સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જાની વડલાના પુલ પાસેથી એક ટેન્કરની ટાંકીમાંથી કુલ રૂ.૩૯.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં રૂ.૨૪.૮૫ લાખનો દારૂનો જથ્થો સામેલ છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે ટેન્કરની ટાંકીમાંથી ૧૮૦ MLના ૧૩,૫૮૪ શીલબંધ ચપલા અને ૯૬૦ બીયર ટીન સહિત કુલ ૧૪,૫૪૪ નંગ દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત રૂ.૨૪,૮૫,૩૪૪ આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત રૂ.૧૫ લાખનો ટ્રક, રૂ.૧૦,૦૦૦નો મોબાઈલ ફોન, ફાસ્ટેગ અને નંબર પ્લેટ સહિત કુલ રૂ.૩૯,૯૫,૩૪૪નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના નરપતલાલ માંગીલાલ ભાદુ જાટ નામના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ટ્રકના સાચા રજિસ્ટ્રેશન નંબર GJ.31.U.0536નો માલિક, ભીલવાડા, રાજસ્થાનનો ઉમેશ (દારૂ મોકલનાર) અને દારૂ મંગાવનાર અજાણ્યો ઇસમ સહિત અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
