News of Wednesday, 26th August 2026
નિકાવામાં નદી કાંઠે બકરા માટે ચારો લેતી વખતે સોનલબેન ઢળી પડયાઃ મોત
બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૨૬: કાલાવડના નીકાવામાં નદી કાંઠેથી બકરાનો ચારો વીણતી વખતે અચાનક ઢળી પડતાં એક મહિલા બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ નિકાવામાં નદી કાંઠે રહેતાં સોનલબેન રસિકભાઇ વાજલીયા (ઉ.વ.૩૦) ગત ૨૪મીએ સવારે અગીયારેક વાગ્યે ઘર નજીક નદી કાંઠે પોતાના બે બકરા માટે ચારો વીણવા ગયા ત્યારે ત્યાં એકાએક ચક્કર આવ્યા બાદ પડી ગયા હતાં. બનાવની જાણ થતાં પતિ સહિતના પરિવારજનો દોડી ગયા હતાં.
સોનલબેનને બેભાન હાલતમાં કાલાવડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સોનલબેનને સંતાનમાં બે દિકરી છે. પતિ છુટક મજૂરી કરે છે. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
