News of Wednesday, 26th August 2026
સૌરાષ્ટ્રના રેલ્વેના પ્રશ્નો અંગે જીએમ સાથે ચર્ચા

રાજકોટ વેરાવળ સોમનાથ અને પોરબંદર જતી ટ્રેનોમાં કોચ વધારવા ગોવિંદભાઇ પટેલ અને રામભાઇ મોકરીયાની રજુઆત
રાજકોટ તા. ૨૬ : હાલમાં જ રાજકોટ ખાતે વિઝીટમાં આવેલ રેલ્વેના જનરલ મેનેજર સાથે પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ અને માજી સાંસદ રામભાઇ મોકરીયાએ બેઠક યોજી સૌરાષ્ટ્રના રેલ્વેના પ્રશ્નો અંગે ચર્ચા કર હતી. તેઓએ જણાવેલ કે રાજકોટથી વેરાવળ સોમનાથ જતી ટ્રેનમાં મુસાફરોને બેસવાની જગ્યા મળતી નથી ઉભા ઉભા પ્રવાસ કરવો પડે છે. તેમાં કોચનો વધારો કરવા માંગણી કરી હતી. એજ રીતે રાજકોટ પોરબંદર જતી ટ્રેનમાં પણ કોચનો વધારો કરવાની માગણી કરેલ. કોરોનાના કાળ પહેલા સૌરાષ્ટ્ર જનતા બપોરનો ૩.૨૯ કલાકે ઉપડે છે અને ત્યારબાદ ૩.૫૪ કલાકે સૌરાષ્ટ્ર મેઈલ ઉપડે છે. જે મેઈલ અગાઉ સાંજે ૬.૦૫ કલાકે રાજકોટથી રવાના થતી હતી. તે પૂર્વવત સમય બદલવા અંગે પણ જણાવ્યુ હતુ. રાજકોટથી અમદાવાદ વદે ભારત સવારના ઉપડતી હતી. તેનો સમય બદલીને સવારના બદલે સાંજે થયો છે. જેથી રાજકોટથી અમદાવાદ વચ્ચે આવજા કરતા પેસેન્જરોને તકલીફ પડે છે. તેના નિવારણ માટે જામનગર-સાબરમતી ટ્રેન જે ચાલે છે, તે ટ્રેનમાં એસી તેમજ નોન એસી કોચ વધારી દેવામાં આવે તો પેસેન્જરોને અગવડતા ન રહે તેવુ સુચન પણ કર્યુ હતુ. આ ઉપરોક્ત ભાવનગર - નાથદ્વારા વાયા બોટાદ ટ્રેન શરુ થઇ છે તે જ રીતે રાજકોટથી નાથદ્વારા ટ્રેન શરુ કરવા અંગે પણ પ્રસ્તાવ મુકયો હતો. જો ભાવનગરથી નાથદ્વારામાં પેસેન્જર ન મળતા હોય તો અલ્ટરનેટ ડે સેવા શરુ કરવી જેથી રાજકોટ અને ભાવનગર બંને ને સગવડતા મળી રહે. તે જ રીતે હાપાથી હરિદ્વાર જે સાપ્તાહિક ટ્રેન જાય છે. તેના બદલે હાપાથી હરિદ્વાર રોજ ઉપાડવી જોઈએ. જેમાં પુરા પેસેન્જર મળી રહે તેમ છે. જીએમશ્રીએ કોચનો ઉમેરો કરવા તેમજ રાજકોટ હરિદ્વાર સપ્તાહમાં બે વખતનું આશ્વાસન આપેલ. તેમજ રાજકોટ નાથદ્વારા અંગે પણ હકારાત્મક વલણ દાખવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
