News of Wednesday, 26th August 2026
વરસાદની ખેંચથી ઊભો પાક મુરઝાવાની ભીતિઃ જામનગર જીલ્લામાં ઊંડ-૧ ડેમમાં
‘સૌની યોજના' થકી નર્મદાના નીર ઠાલવવા ૧૦થી વધુ ગ્રામ પંચાયતોની પ્રબળ માંગ સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો હજારો હેક્ટર પાક બળી જવાની અને ખેડૂતોને કરોડોનું નુકસાન થવાની ભીતિઃ સાંસદ-ધારાસભ્યો અને સિંચાઈ વિભાગને સામૂહિક લેખિત રજૂઆત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૬: જામનગર જિલ્લા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે નહિવત વરસાદ થવાના કારણે ખેતી પાક પર ભારે સંકટ ઊભું થયું છે. વરસાદ ખેંચાતાં હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલો ઊભો મોલ પાણીના અભાવે સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આવા કપરા સમયે પાકને જીવનદાન આપવા માટે ‘‘સૌની યોજના'' હેઠળ નર્મદાના નીર ઊંડ-૧ ડેમમાં ઠાલવવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે પંથકની વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સરપંચો અને ખેડૂત અગ્રણીઓએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલના તબક્કે ઊભા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત છે. જો તાત્કાલિક પાણી નહીં મળે તો તૈયાર મોલ સુકાઈ જશે અને ખેડૂતોને લાખો-કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.
આ અંગે મોટી નાગાજાર, પીઠડીયા, વિરપર (ભરતપુર), ખારાવેઢા, ખાખરા, વિજયપુર, પીઠડપુર, જીવાપર, નંદપુર અને વેરતીયા સહિતની ગ્રામ પંચાયતોએ સામૂહિક માંગણી કરી છે. સાથોસાથ આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે હેતુથી સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને પણ પત્રની નકલ રવાના કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં તંત્ર દ્વારા તાકીદે ઊંડ-૧ ડેમ ભરવાનો નિર્ણય લેવાય તેવી ધરતીપુત્રો આશા રાખી રહ્યા છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
