તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા મનીષાબેન પંડ્યાના પ્રાયોજનથી ડો.પ્રતાપભાઇ પંડ્યાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ-નવયુવા કવિઓ માટે ગઝલ-કાવ્ય શિબિર યોજાઈ : સુપ્રસિદ્ધ કવિ ડો.રઈશ મનીઆર દ્વારા ગઝલ છંદશાસ્ત્રનું પ્રશિક્ષણ
ડો.રઈશ મનીઆરએ જ્ઞાન સાથે ગમ્મત કરાવતી એમની આગવી શૈલીમાં તબ્બકાવાર ગઝલ સ્વરૂપની સમજ, લેખન ,પઠન, કાવ્યત્વનુ મુદ્દાસર માર્ગદર્શન આપતા શિબિરાર્થીઓ સાથે સંવાદ કર્યો

અમરેલી તા.૨૬ : અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારના સ્થાપક પ્રમુખ ડો.પ્રતાપભાઇ પંડ્યાનો જે જીવનમંત્ર હતો તે કેન્દ્રસ્થ રાખી સર્જક પરિવાર દ્વારા નિત્ય નૂતન, હેતુલક્ષી પરિણામદાયી પ્રવૃતિઓ સમયાંતરે કરવામાં આવે છે.ડો. પ્રતાપભાઇ પંડ્યાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રમાબેન પંડ્યાના આશીર્વાદ,પ્રમુખ મનીષાબેન પંડ્યા,મેનેજિંગ ટ્રસ્ટી ઉમેશભાઈ જોષીના માર્ગદર્શનમાં સાહિત્યના વિદ્યાર્થીઓ માટે નવતર હેતુલક્ષી પરિણામદાયી અભિગમ સાથે અમરેલી ખાતે ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ ડો.રઈશ મનીઆરની માર્ગદર્શક પ્રશિક્ષણમા અમરેલી જિલ્લાના ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ અને નવયુવા કવિઓ માટેની એક દિવસીય ગઝલ કાવ્ય શિબિર યોજાઈ હતી.
સંસ્થા વતી કેતન જોષીએ આવકાર સાથે પૂર્વભૂમિકા રજૂ કરી હતી.કવિ ડો.રઈશ મનીઆર, ઉમેશભાઈ જોષી,ડો.કાલિન્દી પરીખ,પરેશ મહેતા, લોકગાયક વિમલભાઈ મહેતાના હસ્તે દીપ પ્રાગટય દ્વારા શિબિરનો શુભારંભ કરવામાં આવેલ હતો.મુખ્ય માર્ગદર્શક કવિ ડો.રઈશ મનીઆરનું અભિવાદન ટ્રસ્ટી ગણ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગઝલ, કાવ્ય છંદશાસ્ત્રના તજજ્ઞ ડો.રઈશ મનીઆરએ જ્ઞાન સાથે ગમ્મત કરાવતી એમની આગવી શૈલીમાં તબ્બકાવાર ગઝલ સ્વરૂપની સમજ, લેખન ,પઠન, કાવ્યત્વનુ મુદ્દાસર માર્ગદર્શન આપતા શિબિરાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. એમની રસાળ શૈલીમાં સાહિત્ય ગોષ્ઠિ કરી માહોલને એક ગરિમા બક્ષી હતી.
સર્જક પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી ઉમેશભાઈ જોષીએ ડૉ. પ્રતાપભાઇ પંડ્યા અને રમાબેન પંડ્યાની શિક્ષણ,સાહિત્ય માટેના સમર્પણ ભાવની આદરપૂર્વક નોંધ લઈ સંસ્થાની પ્રવૃતિઓની ટૂંકમાં વાત કરી લાભાન્વિત શિબિરાર્થીઓને ભવિષ્યની શુભેરછાઓ પાઠવી અને સૌનો આભાર માન્યો હતો.
સમગ્ર શિબિર દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ, નવયુવા કવિઓ કે જે અમરેલી સાહિત્ય જગતની ઉજ્જવળ આવતીકાલ છે એ સૌએ રસપુર્વક માર્ગદર્શન મેળવીને ખૂબ જ રાજી થયા હતા. સંસ્થાના મોભી મનીષાબેન પંડ્યા અને અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રાથમિક સંચાલન કેતન જોષી દ્વારા કરવામાં આવેલ. આ તકે સાહિત્યકાર ડો.કાલિન્દી પરીખની પ્રોત્સાહક ઉપસ્થિતિ, ભારતીબેન ગોહિલનો પ્રેરક શુભેરછા સંદેશ, તેમજ નિમંત્રિત વિધાર્થીઓ, નવયુવા કવિઓ, કોલેજના પ્રાધ્યાપકશ્રીઓની ઉત્સાહભેરની હાજરી એ આયોજક ટીમ માટે ઉત્સાહવર્ધક બની હતી.
સમગ્ર ઉપક્રમમાં જરુરી તમામ સુવિધાઓથી લઈને સફળ બનાવવા સુધીની જહેમત પ્રસિદ્ધ લોકગાયક અને સર્જક પરિવારના વિમલભાઈ મહેતા અને મિત્ર મંડળ , પરેશ મહેતા, કેતન જોષી, પ્રયાગ મહેતા વગેરેએ ઉઠાવી હતી.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
