<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

જેતપુરમાં માત્ર 15 વર્ષની નાની વયના એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી કરૂણમોત

મોપેડને ધક્કો મારીને આગળ વધી રહેલા આ સગીર વિદ્યાર્થીને અચાનક જ છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને તે રસ્તા પર ઢળી પડ્યો

રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં માત્ર 15  વર્ષની નાની વયના એક વિદ્યાર્થીનું હાર્ટ એટેક (હૃદયરોગનો હુમલો) આવવાથી અચાનક કરૂણ મોત નીપજ્યું છે. આ નાની વયે યુવાઓમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને લોકોમાં ચિંતાની લાગણી જન્માવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક વિદ્યાર્થીનું નામ દિવ્યેશભાઈ મહાલીયા હતું અને તે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતો હતો. રોજની જેમ તે ટ્યુશન ક્લાસ પતાવીને પોતાના મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં અચાનક તેના મોપેડનું પેટ્રોલ ખૂટી ગયું હતું. પેટ્રોલ પૂરું થઈ જતાં તે પોતાના મોપેડને સાઈડમાં રાખીને દોરાવીને (ધક્કો મારીને) લઈ જઈ રહ્યો હતો.

 

 

મોપેડને ધક્કો મારીને આગળ વધી રહેલા આ સગીર વિદ્યાર્થીને અચાનક જ છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તે રસ્તા પર ઢળી પડ્યો હતો. આ સમગ્ર કરૂણ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેના દ્રશ્યો જોઈને કોઈપણનું હૈયુ દ્રવી જાય છે. વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. નાની વયે જ તેજસ્વી વિદ્યાર્થીના અચાનક અવસાનથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

(11:12 PM IST)